ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમણે લોકોને માસ્ક પહેરવાની અને સોસિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા સહિતના સાવચેતીના પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો.
મોદીએ જણાવ્યું હતું કે સરકારે કોરોનાની બીજી લહેરને અંકુશમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. સરકાર મેડિસિન અને વેક્સીનની ઉપલબ્ધતામાં વધારો કરવા ઉપરાંત નવી હોસ્પિટલ સ્થાપી રહી છે અને ઓક્સિજન સપ્લાયમાં વધારો કરવાના પગલાં લઈ રહી છે.
મોદીએ જણાવ્યું હતું કે હું તમને ચેતવણી આપવા માગું છું. મહામારી ગામડામાં ઝડપથી ફેલાઈ રહી છે. દરેક સરકાર તેને અંકુશમાં લેવાના પગલાં લઈ રહી છે. નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીની બીજી લહેર પર કહ્યું કે તેઓ દેશવાસીઓની પીડા અનુભવી રહ્યા છે. કિસાન સન્માન નિધિના આઠમા હપ્તાને જારી કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, 100 વર્ષ પછી આવેલી ભીષણ ગંભીર મહામારી પરીક્ષા લઈ રહી છે. કોવિડ -19 ને ‘અદૃશ્ય દુશ્મન’ ગણાવતા તેમણે કહ્યું કે આપણે ઘણા નજીકના માણસો ગુમાવ્યા છે.
મોદીએ લોકોને વહેલામાં વહેલી તકે રસી લેવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું, કોરોના રસી બચાવનું એક સૌથી મોટુ માધ્યમ છે. કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો વધુને વધુ દેશવાસીઓને ઝડપથી રસી અપાય તે માટે સતત મળીને કામ કરી રહી છે.
વડાપ્રધાને કહ્યું કે તેમની સરકાર કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર બનાવવા માટે સમર્પિત છે. તેમણે કહ્યું કે, લેટેસ્ટ તકનીકથી ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. સેના આ મુશ્કેલ સમયમાં ઓક્સિજન સપ્લાયને સંપૂર્ણ તાકાત સાથે સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે. હું રાજ્ય સરકારોને અપીલ કરું છું કે દવાઓ અને મેડિકલ સપ્લાયના બ્લેક માર્કેટિંગને રોકવા માટે કડક કાયદા બનાવે.