ભારતમાં રશિયન કોરોના વેક્સિન સ્પુતનિકનું પ્રોડક્શન કરનારી ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ શુક્રવારે આ વેક્સીનનો ભાવ જાહેર કર્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, આ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ.948 રહેશે, અને તેના પર પાંચ ટકા જીએસટી અલગથી લાગશે. આમ તેની અંતિમ કિંમત રૂ.995.40 ($13.58) રહેશે. શુક્રવારે હૈદરાબાદમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરુપે આ વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. ભારતમાં હવે આની સાથે ત્રણ કંપનીની વેક્સીન ઉપલબ્ધ થશે. સ્પુતનિક વેક્સીન કોરોના સામે 8.16 ટકા અસરકારક છે.
કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે આ વેક્સિનનું સોફ્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. આ વેક્સિનના રશિયાથી આવેલા ડોઝની કિંમત રૂ.948 વત્તા પાંચ ટકા જીએસટી થાય છે. રસીનું લોકલ સ્તરે પ્રોડક્શન શરુ થાય બાદ તેની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. કંપનીએ જણાવ્યું હતું કે રશિયાથી આ વેક્સિનનો પહેલો જથ્થો 1 મેના રોજ પહોંચ્યો હતો. જેને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીનું ક્લિયરન્સ 13 મેના રોજ મળ્યું હતું.