કોરોના મહામારીને કારણે ભારતભરમાં અત્યંત ચિંતાનો માહોલ છે. આ પરિસ્થિતિમાં બોલીવૂડની સેલિબ્રિટિઝ મદદ કરવા આગળ આવી રહી છે. જેમાં યુવા દિલોની ધડકન રિતિક રોશને મહામારીની ગંભીરતા જોઇને ૧૫ હજાર ડોલર એટલે કે અંદાજે ૧૧ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. જ્યારે અજય દેવગણે બીએમસીના કોરોના કોવિડ સેન્ટરની ૨૦ આઇસીયુ પથારી માટે રૂ. એક કરોડની મદદ કરી છે.
અક્ષયકુમારની સાથે તેની પત્ની પણ કોરોનાગ્રસ્તની વહારે આવી છે. ટ્વિન્કલે કોરોના પીડિતો માટે ઓક્સિજન કન્ટેઇનર લંડનથી મંગાવ્યા છે. જ્યારે અક્ષયકુમારે ૧૦૦ ઓક્સિજન કન્ટેઇનરની વ્યવસ્થા કરી છે. આમ દંપતીએ ભેગા મળીને ૨૨૦ કન્ટેનર ડોનેટ કર્યા છે. તાજેતરમાં જ અક્ષયકુમારે ક્રિકેટર ગૌતમ ગંભીરની સંસ્થાને રૂ. એક કરોડનું દાન કર્યું હતું.
સોનૂ સૂદ તો કોરોનાની પ્રથમ લહેરથી લોકોને મદદ કરીને મસીહા બની ગયો છે. આ વખતે પણ તેણે કોરનાની નવી હેલ્પલાઇન શરૂ કરીને લોકોની મદદ કરી રહ્યો છે. ઘણા સમયથી બોલીવૂડમાંથી ગાયબ રહેલા સુનિલ શેટ્ટી ઓક્સિજન માટે લાચાર બનેલા કોરોનાના દરદીઓની મદદ માટે એક સંસ્થા સાથે જોડાયો છે, જે લોકોને મફતમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવે છે. સુનિલે સોશિયલ મીડિયા પર તેની માહિતી આપી હતી. આ ઉપરાંત તેણે મદદ માટે પોતાનો સીધો સંપર્ક કરવા પણ જણાવ્યું છે. સલમાન ખાન કોરોના કાળમાં ફ્રન્ટલાઇન વર્કર્સને ભોજન આપવાનું કામ કરી રહ્યો છે. ઉપરાંત ભૂમિ પેડણેકર, પ્રિયંકા ચોપરા, વિક્કી કૌશલ અને આલિયા ભટ્ટ સહિત અન્ય સેલિબ્રિટિઓ કોવિડ ૧૯ વોરિયર્સની મદદ કરી રહ્યા છે.