ફિલ્મ, ટેલીવિઝન અને ફેશન જગતની સેલીબ્રિટિઝ સામાન્ય રીતે તેમની શારીરિક સુંદરતા માટે ફિટનેસ જાળવી રાખે છે. કેટલાક તો વિવિધ પ્રકારની એક્સરસાઇઝ, ડાન્સ, માર્શલ આર્ટ, યોગ વગેરેનો સહારો લે છે. પરંતુ કેટલાક કલાકારો માટે ફિટનેસ જીવનમંત્ર સમાન છે. તેઓ માત્ર કેમેરા સામે ચોક્કસ પ્રકારનું ફિગર દર્શાવવા માટે નહીં, બલ્કે હમેશાં સ્વસ્થ રહેવા માટે ફિટનેસ જાળવે છે. રકુલ પ્રીત સિંહ પણ આવા જ વિચારો ધરાવે છે. તે સ્વસ્થ રહેવા ઓર્ગેનિક શાકભાજીનું ભોજન લે છે અને નિયમિત રીતે યોગ કરે છે, સાઈકલિંગ પણ કરે છે અને ગોલ્ફ પણ રમે છે. ગમે તેટલી વ્યસ્તતા હોવા છતાં તે અચૂક જિમિંગ કરે છે. રકુલ કહે છે કે હું સ્વસ્થ અને સુંદરતા માટે ફિટનેસને મહત્વ આપું છું. મારા મતે સ્વસ્થ જીવનશૈલી પ્રત્યેક વ્યક્તિ માટે આવશ્યક છે. તમે ચાહે કોઈપણ કામ કરતાં હો, તમારા માટે સ્વસ્થ રહેવું જરૂરી છે. મારા માટે વ્યાયામ કરવો શ્વાસ લેવા અને ભોજન કરવા જેટલું જરૂરી છે. સ્વસ્થ જીવનશૈલી આપણી વિચારશક્તિ ખીલવે છે જે છેવટે જીવનના દરેક તબક્કે સર્જનાત્મક પરિણામો આપે છે.
હકીકતમાં રકુલને બાળપણથી જ જુદા જુદા પ્રકારની કસરતો કરવાની ટેવ છે. તે કહે છે કે હું મિલિટરી પરિવારમાંથી આવું છું અને ફિટનેસ અમારા જીવનનો મહત્ત્વનો ભાગ છે. સ્કૂલમાં હું નેશનલ લેવલની ગોલ્ફ ખેલાડી હતી. મેં જ્યારે મોડેલિંગ શરૂ કર્યું ત્યારે મેં જિમમાં જવાનું શરૂ કર્યું. મારા માતાપિતા પણ દરરોજ વર્કઆઉટ કરે છે. તેમણે અમને ભાઈ-બહેનને હંમેશા ફિટનેસ જાળવવા પ્રેરણા આપી છે. રકુલને એ વાતનું આશ્ચર્ય થાય છે કે લોકો ફિટનેસને પાતળા દેખાવાની સાથે અથવા ચોક્કસ વ્યવસાય સાથે જોડે છે. સ્વસ્થ રહેવા માટે વ્યાયામ જરૂરી છે, નહીં કે પાતળા થવા કે પછી સિક્સ પેક એબ્સ બનાવવા. ખરેખર તો દરેક યુવતી સામાન્ય પુશઅપ કરવા સક્ષમ હોવી જોઈએ. રકુલને વજન ઉઠાવવા ઉપરાંત હાઈ- ઈન્ટેન્સિટી વર્કઆઉટ, સાઈક્લિંગ, એડવેન્ચર સ્પોર્ટ્સ અને યોગ પસંદ છે.
પોતાનો કોરોનાનો અનુભવ જણાવતા રકૂલ કહે છે કે, કોરોના મહામારીથી લોકોમાં આરોગ્યલક્ષી જાગૃતિ આવી છે. મને જ્યારે કોવિડ-૧૯નું ઇન્ફેક્શન લાગ્યું ત્યારે મારી ફિટનેસને કારણે તેની અસર થઇ હતી. હું પાંચ દિવસમાં યોગ કરવા લાગી હતી અને ૧૧ દિવસે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.