ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને રિકવર થયેલા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આની સાથે દૈનિક મોતમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. સરકારે બુધવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 11,017 નવા કેસ નોંધાયા હતા અને 15,000થી વધુ દર્દી સાજા થયા હતા. કોરોનાથી 102 લોકોના મોત થયા હતા. ગુજરાતના મોટા શહેરોમાં પણ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જોકે ગામડામાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.
બુધવારે રાજ્યમાં કુલ 1,27,483 એક્ટિવ કેસ હતા, જેમાંથી 804 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 5,78,397 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે 8731 લોકોએ કોવિડથી પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 80.94 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2795 નવા કેસ નોંધાયા હતા અને 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જોકે, તેની સામે 6,725 લોકો કોરોનામાંથી સાજા થયા હતા.
સુરત શહેરમાં 781 નવા કેસ નોંધાયા હતા. તેની સામે તેનાથી બેગણા 1602 દર્દીઓ સાજા થયા હતા અને 9 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતા. વડોદરા શહેરમાં 664 કેસ નોંધાયા હતા અને 653 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા હતા. રાજકોટમાં 335 કેસ નોંધાયા હતા અને 157 દર્દીઓ સાજા થયા હતા. વડોદરામાં પાંચ અને રાજકોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. .