કોરોનાગ્રસ્ત ભારતમાંથી પોતાના નાગરિકોના પરત આવવા પર પ્રતિબંધ મૂકતા ઓસ્ટ્રેલિયા સરકારના નિર્ણયને પડકારતી અરજી સિડનીની કોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની સરકારના ટ્રાવેલ પ્રતિબંધથી કર્ણાટકના બેંગલુરુમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના ગેરી ન્યૂમેન નામના 73 વર્ષના નાગરિકે સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો.
પ્રથમ સુનાવણીમાં જસ્ટિસ થોમસ થાઉલે જણાવ્યું હતું કે બાયોસિક્યોરિટી ઇમર્જન્સી વિવિધ સ્વરૂપની હોઇ શકે છે અને ભાવિ જોખમની ચોક્કસ માહિતી ઉપલબ્ધતા નથી તેવા આધારે આ કાયદો ઘડવામાં આવ્યો છે. તે સ્પષ્ટ છે કે ચીફ મેડિકલ ઓફિસરે માન્યું છે કે ટ્રાન્ઝિટ હબ મારફતના આડકતરા ટ્રાવેલિંગ સહિતના વધુ લોકોના પ્રવેશથી ઓસ્ટ્રેલિયાની ક્વોરેન્ટાઇન ફેસિલિટીને રાહત થશે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર આ કેસ બે ભાગમાં વિભાજિત કરાયો હતો. કોર્ટ એ દલીલ ઉપર સુનાવણી આગળ ચાલુ રાખી છે કે સરકારે બાયોસિક્યોરિટીઝ ધારા હેઠળ મળેલી સત્તાની ઉપરવટ જઈ રહી છે.
ગેરી ન્યૂમેને તેમના વકીલો મારફત બાયોસિક્યોરિટી એક્ટ હેઠળ લાદવામાં આવેલા ઇમર્જન્સી ટ્રાવેલ પ્રતિબંધ રદ કરવાની ગયા સપ્તાહે કોર્ટમાં અરજી કરી હતી. ગયા વર્ષના માર્ચથી બેંગલુરુમાં ફસાયેલા ન્યૂમેને જણાવ્યું હતું કે આ પ્રતિબંધ ગેરબંધારણીય છે.
ભારતમાં કોરોનાના કેસોમાં જંગી વધારાને પગલે ઓસ્ટ્રેલિયાની સરકારે ગયા સપ્તાહે ટ્રાવેલ પ્રતિબંધ લાદ્યા હતા. ટ્રાવેલ પ્રતિબંધનો હેતુ જાહેર આરોગ્ય સામેના જોખમમાં ઘટાડો કરવાનો હતો, પરંતુ તેની ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન્સ સહિતના લોકોએ વ્યાપક ટીકા કરી હતી. વડાપ્રધાન સ્કોટ મોરિસને ગયા શુક્રવારે 15થી રીપેટ્રિયેશન ફ્લાઇટ પરના પ્રતિબંધ ઉઠાવી લેવાની જાહેરાત કરી હતી.