પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક લગ્ન કરવાનો ઇન્કાર કરવા બદલ એક બ્રિટિશ યુવતીની હત્યા કરવામાં આવી છે. આ અંગે તેણે બે પુરુષો સામે તેના સંબંધીઓને ફરિયાદ કરી હતી.
25 વર્ષીય માયરા ઝુલ્ફિકાર કાયદાની સ્નાતક હતી અને તે લાહોરમાં એક ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. કેટલાક લોકોએ ગત સોમવારે વહેલી સવારે તેના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે.
એક સફાઇ કામદારને તે ખભાના ભાગે ગોળી વાગેલી હાલતમાં જોવા મળી હતી. આ હત્યા કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ થયું છે.
એવું માનવામાં આવે છે કે, બે મહિના પહેલા ઝુલ્ફીકાર તેની સહેલીનાં લગ્ન માટે યુકેથી પાકિસ્તાન ગઇ હતી અને તેણે ત્યાં રહેવાનો નિર્ણય કર્યો હતો. તે તાજેતરમાં જ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાંથી ગ્રેજ્યુએટ થઇ હતી. તેનાં કાકા મુહમ્મદ નઝીરને બે વ્યક્તિઓ-સાદ આમિર બટ્ટ અને ઝાહિર જાદૂન પર પોતાની ભત્રીજીની હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાની શંકા છે. કારણે કે, લગ્નમાં તેમણે તેનો હાથ માગવાનો પ્રયાસ કર્યો હતો. નઝીરે પોલીસને જણાવ્યું હતું કે, ઝુલ્ફીકારે બટ્ટના લગ્નના પ્રસ્તાવને ફગાવતા આ બંનેએ તેને ધમકી આપી હતી.
નઝીરે આ અંગે જણાવ્યું હતું કે, ‘થોડા દિવસ પહેલા ઝુલ્ફીકાર મારા ઘરે આવી હતી અને તેણે મને તેનાં મિત્રો સાદ બટ્ટ અને ઝહિર જાદૂન તરફથી ધમકી મળ્યા હોવાનું કહ્યું હતું.’
પોસ્ટ મોર્ટમ તપાસમાં જાણવા મળ્યું છે કે, ઝુલ્ફિકારનાં ગળા પાસે એક ગોળી વાગી હતી. શરૂઆતના રીપોર્ટ્સ મુજબ તેને ગોળી મારતા પહેલા તેનું ગળુ દબાવવામાં આવ્યું હતું.
આ હત્યા કેસની તપાસ કરી રહેલ પોલીસ ઇન્સપેક્ટર કાસિમ અલીએ જણાવ્યું હતું કે, તેને ખભામાં એક ગોળી મારવામાં આવી હતી અને વધુ પડતું લોહી વહી જવાના કારણે તેનું ઘરમાં મૃત્યુ થયું હતું. તેની લાશ પાસેથી તેનો ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને તેની તપાસ થઇ રહી છે. આ ઉપરાંત અધિકારીઓ તેના એપાર્ટમેન્ટના વીડિયો પણ તપાસી રહ્યા છે.
પોલીસે મુખ્ય શંકાસ્પદ સાદ બટ્ટને પકડવા ઘણા સ્થળે તપાસ કરી હતી પરંતુ તે ફરાર થઇ ચૂક્યો છે. પ્રથમ દૃષ્ટિએ આ લગ્નના પ્રસ્તાવની બાબત છે. ઝુલ્ફિકારના પિતા પણ બ્રિટનથી પાકિસ્તાન પહોંચવાના હતા.