ઘણા સમયથી ફિલ્મોમાં ગાયબ રહેલી ભૂતપૂર્વ વિશ્વ સુંદરી સુસ્મિતા સેન તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી. હકીકતમાં તે દિલ્હીની શાંતિમુકુંદ હોસ્પિટલમાં કેટલાક ઓક્સિજન સિલિન્ડર્સની વ્યવસ્થા કરવામાં સફળ રહી હતી, પરંતુ તે મુંબઈથી ત્યાં એ સિલિન્ડર્સ મોકલી શકે એમ નહોતી. તેણે આ હોસ્પિટલના સીઇઓનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેઓ હૉસ્પિટલમાં ઓક્સિજનની અછત વિશે વાત કરી રહ્યા હતા. સુસ્મિતાએ તેના ટ્વીટમાં લખ્યું હતું કે, ‘આ ખરેખર ખૂબ જ દુ:ખદ બાબત છે. બધી જ જગ્યાએ ઓક્સિજનની અછત છે. મેં આ હૉસ્પિટલ માટે કેટલાક ઓક્સિજન સિલિન્ડર્સ એરેન્જ કર્યા છે, પરંતુ મુંબઈથી એને દિલ્હી ટ્રાન્સપોર્ટ માટેનો માર્ગ મળતો નથી. પ્લીઝ રસ્તો બતાવવામાં મને મદદ કરો.’
અનેક ફેન્સે સુસ્મિતાને ઓક્સિજન સિલિન્ડર્સ દિલ્હી મોકલવા માટેના વિકલ્પો જણાવ્યા હતા. એક વ્યક્તિએ મુંબઈને જ જ્યારે ઓક્સિજનની જરૂર છે ત્યારે એ દિલ્હી મોકલવા બદલ તેની ટીકા પણ કરી હતી. જોકે, બાદમાં સુસ્મિતાએ જણાવ્યું હતું કે, ‘આ હૉસ્પિટલે બીજે ક્યાંકથી અત્યારે તો ઓક્સિજન સિલિન્ડર્સ મેળવ્યા છે. એનાથી આપણને સિલિન્ડર્સ મોકલવા માટે વધુ સમય મળ્યો છે.’ પછી તેણે વધુ એક અપડેટ આપી હતી કે, ‘સુપર હેપ્પી અપડેટ. અમારા ટ્વીટર ફ્રેન્ડ શ્વેતા જેરીની મદદથી ઓક્સિજન સિલિન્ડર્સને આખરે મુંબઈથી દિલ્હીની હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. શ્વેતા અને તેના સાથીઓએ વિશેષ પ્રયાસ કરીને રાતોરાત આ શક્ય બનાવ્યું છે.’