ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન સામે આવી શકે છે તેમ હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. નિષ્ણાતોએ એવી પણ ચેતવણી આપી હતી કે આ વખતે કોરોના મહામારીની ત્રીજી લહેરમાં યુવાઓની જેમ જ બાળકો પર પણ એટલું જ જોખમ છે. આ રિપોર્ટ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઇડીએમ)ની બનાવેલી કમિટી દ્વારા તૈયાર કરાયો હતો.
જ્યારે કોરોના મહામારીની અસર અંગે મેથેમેટિકલ મોડયૂલના આધારે અનુમાન વ્યક્ત કરનારા વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે ભારતમાં જો કોરોના વાઇરસના વિવિધ વેરીઅન્ટ આવે અને તેમાં વધારો થવા લાગે તો નવેમ્બર મહિના સુધીમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકે છે.
આ બીજો એવો રિપોર્ટ છે કે જેમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને બન્ને રિપોર્ટમાં આ વર્ષના અંત સુધીમાં ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. બીજી તરફ કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે.