સુપ્રીમ કોર્ટે બુધવારે શિક્ષણ અને સરકારી નોકરીમાં મરાઠા સમુદાયના લોકોને અનામત આપવાના રાજ્ય સરકારના કાયદાને ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે હવે કોઈ નવી વ્યક્તિને મરાઠા અનામતને આધારે કોઈ નોકરી કે કોલેજમાં સીટ નહીં આપી શકાય.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મરાઠા સમુદાયને ક્વોટા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણી શકાય નહીં, તે 2018ના મહારાષ્ટ્ર રાજ્ય કાયદા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે કહ્યું કે, તે 1992ના નિર્ણયની ફરીથી સમીક્ષા નહીં કરે, જેમાં અનામતનો ક્વોટા 50 ટકા પર અટકાવી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની 5 જજોની પીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે મરાઠા અનામત 50 ટકાની મર્યાદાનું ઉલ્લંઘન છે. રાજ્ય સરકારે નવેમ્બર 2018માં એક કાયદો ઘડીને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી.