ભારતમાં કોરોના વાઇરસના દૈનિક 4 લાખથી વધુ કેસ નોંધાયા બાદ રવિવારે નવા કેસોની સંખ્યામાં થોડો ઘટાડો થયો હતો, જોકે કોરોનાને કારણે એક દિવસમાં વિક્રમજનક 3,689 લોકોના મોત થયા હતા. કોરોનાને કારણે વિવિધ વિસ્તારોમાં હોસ્પિટલ બેડ, મેડિકલ ઓક્સિજન સહિતની તીવ્ર તંગી ઊભી થઈ છે ત્યારે વધુ એક રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 3,92,488 કેસ નોંધાયા હતા. તેનાથી કુલ સંખ્યા વધીને 19.56 મિલિયન થઈ છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 215,542 લોકોના મોત થયા છે.
છેલ્લાં 10 દિવસથી દરરોજ ત્રણ લાખ કરતાં વધુ નવા કેસને પગલે ભારતની હોસ્પિટલો અને સ્મશાનગૃહોમાં વેઇન્ટિંગ પિરિયડ ચાલે છે. મેડિસિન અને ઓક્સિજનના અભાવે ઘણા પરિવારો રઝડી પડ્યા છે.
ભારત સરકારે હજુ રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લાદ્યું નથી, પરંતુ આશરે 10 રાજ્યોમાં વિવિધ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ભારતના પૂર્વી રાજ્ય ઓડિશાએ બે સપ્તાહના લોકડાઉનની જાહેરાત કરી છે. એક વર્તમાનપત્રના અહેવાલ અનુસાર કોવિડ-19 ટાસ્કફોર્સના નેશનલ લોકડાઉન લાદવાની સરકારને ભલામણ કરી છે.