ભારતીય અમેરિકન એનજીઓ સેવાએ ભારતમાં કોરોના રાહત સહાય પેટે 4.7 મિલિયન ડોલર ભેગા કર્યા છે. 66,700 ભારતીય અમેરિકનોએ 100 કલાકથી ઓછા સમયમાં સોશિયલ મીડિયા દ્વારા આ ભંડોળ ઉભું કર્યું હોવાનું સેવા ઇન્ટરનેશનલ યુએસએએ જણાવ્યું હતું. ભારત મોકલવા માટે 2184 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ભેગા કરાયા હતા. સેવાના કાર્યકરો એમ્બ્યુલન્સ સેવા, બેડ, લોહી તથા દવાની ઉપલબ્ધિની માહિતી માટે ડિજિટલ હેલ્પડેસ્ક પણ ઉભી કરી રહ્યા છે. સેવાએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન મહામારીમાં સેવા દ્વારા ખોરાક, દવા વિતરણ ઉપરાંત 1000થી વધારે અનાથ અને વૃદ્ધોનાં કેર સેન્ટર્સને 10,000 આવશ્યક ચીજોની કીટ પૂરી પાડવાની યોજના ઉપર પણ કામ થઇ રહ્યું છે.
500 ડોલરના એક એવા 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ભારતમાં હોસ્પિટલોને સીધા પહોંચાડવા ઉત્પાદકને ઓર્ડર અપાયાનું અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝિશીયન ઓફ ઇન્ડિયન ઓરીજીનના પ્રમુખ ડો. સુધાકર જોનાલગડ્ડાએ જણાવ્યું હતું.
યુએસ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ તથા ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સે દિલ્હીમાં ભારતીય રેડક્રોસ સોસાયટીને 20 વેન્ટીલેટર્સનું પ્રથમ શીપમેન્ટ મોકલાવ્યું છે. અને બીજા 30 વેન્ટીલેટર્સનું શીપમેન્ટ થોડા દિવસોમાં રવાના થશે. ગ્રેટર હ્યુસ્ટનના ઇન્ડો અમેરિકન કોમર્સ ચેમ્બરના જગદીપ અહલુવાલિયા રાહત પ્રયાસોનું સંકલન કરી રહ્યા છે.