છેલ્લાં છ દિવસથી કોરોનાના ત્રણ લાખથી વધુ કેસ અને દૈનિક 2,500થી વધુના મોત સાથે ભારત કોરોના મહામારીના ભરડામાં સપડાયું છે. દર્દીઓની સંખ્યામાં આવેલા એકદમ ઉછાળાને પગલે હોસ્પિટલો ઊભરાઈ રહી છે અને મેડિકલ ઓક્સિજનની અભૂતપૂર્વ તંગીને પગલે દર્દીઓ પ્રાણવાયુ માટે તરફડી રહ્યાં છે. કોરોનાનો કુલ મૃત્યુઆંક 2 લાખની નજીક પહોંચ્યો છે. સતત ચિતાઓ સળગતી હોવાથી સ્મશાનગૃહોમાં વેઇટિંગ ચાલે છે. દેશમાં હાલ દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક જેવા અનેક રાજ્યોમાં મેડિકલ ઇમર્જન્સી જેવી હાલત છે. વિશ્વ માટેની ફાર્મસી ગણાતા ભારતમાં જરૂરી દવાઓના કાળા બજાર અને ચોરી તથા લુંટફાટની પણ ઘટના બની હતી. મેડિકલ ઓક્સિજન લેવા માટે લોકો વલખા મારી રહ્યાં છે. ઘણી હોસ્પિટલો ઓક્સિજન મેળવવા માટે તાકિદના સંદેશા મોકલી રહી છે. દેશના વિવિધ શહેરો-ગામોમાં રસ્તા પર રાતદિવસ દોડતી એમ્બ્યુલન્સ વાનોની સાઇરનો કોરોનાની ભયાવહતામાં ઓર વધારો કરી રહી છે.
દિલ્હી અને હરિયાણા જેવા રાજ્યોએ એકબીજાના ઓક્સિજન ટેન્કર જપ્ત કર્યાના આક્ષેપો પણ કર્યા હતા. આ સ્થિતિમાં દિલ્હીની કોર્ટે ઓક્સિજન ટેન્કર અટકાવનારને ફાંસી લટકાવી દેવાની ચીમકી આપી હતી. દિલ્હી જેવા સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં કોરોના મૃતકોના અંતિમસંસ્કાર માટે કાયચલાઉ ધોરણે ખુલ્લા મેદાનમાં સ્મશાનગૃહો બનાવવામાં આવ્યા હતા અને સામુહિક અગ્નિસંસ્કાર થયા હતા. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં અંતિમસંસ્કાર માટે પણ લાંબી લાઇનો છે. લોકો કોરોના સામે નિસહાય બન્યા છે. સરકારમાં આયોજન અને પૂર્વતૈયારીનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. દેશની હાલત એટલી ગંભીર બની છે કે વિશ્વના સંખ્યાબંધ દેશોએ ભારત માટે ટ્રાવેલ પ્રતિબંધો મૂક્યા હતા અને ઇમર્જન્સી મેડિકલ સહાયની જાહેરાત કરી હતી.
દેશની આ ભયાનક સ્થિતિ વચ્ચે આરોગ્ય મંત્રાલયે મંગળવારની સવારે આઠ વાગ્યે કોરોનાના બિહામણા ડેટા જારી કર્યા કરતાં જણાવ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં નવા 3,23,144 કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 1,76,36,307 થઈ હતી. નવા 2,771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,97,894 થયો હતો. રાષ્ટ્રીય રિકવરી રેટ વધુ ઘટીને 82.54 ટકા થયો હતો.
દેશમાં નવા કેસોમાં અગાઉના દિવસની સરખામણીમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ એક્ટિવ કેસની સંખ્યા વધીને 28,82,204 થઈ હતી, જે કુલ કેસના આશરે 16.34 ટકા થાય છે. દેશમાં કોરોનામાંથી અત્યાર સુધી 1,45,56,209 લોકો રિકવર થયા છે, જ્યારે મૃત્યુદર કથળીને 1.12 ટકા થયો હતો.
દિલ્હીમાં 19 એપ્રિલથી લોકડાઉન ચાલુ છે છતાં સોમવારે નવા 20,201 કેસ નોંધાયા હતા અને 380 મહારાષ્ટ્રમાં 22 એપ્રિલથી 1 મે સુધી લોકડાઉન લાદવામાં આવ્યું હોવા છતાં સોમવારે 48,700 નવા કેસ નોંધાયા હતા અને 524 લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશમાં 33,551 અને કર્ણાટકમાં 29,744 નવા કેસ નોંધાયા હતા. દેશમાંથી કુલ એક્ટિવ કેસમાંથી 69.1 ટકા એક્ટિવ કેસ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત અને કેરળમાં છે.