ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ અને માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નંડેલાએ કોરોનાની કટોકટીમાં ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે. માઇક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઇઓ નંડેલાએ જણાવ્યું હતું કે તેમની કંપની રાહતના પ્રયાસો અને ઓક્સિજન ડિવાઇસની ખરીદી માટે તેમના સંસાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
ભારતમાં કોરોનાની બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. આ સંજોગોમાં અમેરિકી ટેક કંપની ગૂગલે ભારતને કોવિડ-19 સામે લડવા રૂ.135 કરોડનું ફંડ આપવાની જાહેરાત કરી છે. ગૂગલના કહેવા પ્રમાણે આ ફંડ ગીવઈન્ડિયા અને યુનિસેફને આપવામાં આવશે જે ભારતમાં મેડિકલ સપ્લાય અને કોવિડ-19થી પ્રભાવિત ફેમિલીની મદદ માટે હશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આ માટે એક ટ્વીટ પણ કરી હતી. પિચાઈ લખ્યું હતું કે, ભારતમાં કોરોના સતત વકરી રહ્યો છે અને આ સંજોગોમાં ગૂગલર્સ એટલે કે ગૂગલમાં કામ કરનારાઓ ગીવઈન્ડિયા અને યુનિસેફને ભારતમાં કોવિડ-19નો સામનો કરવા રૂ. 135 કરોડ રૂપિયાનું ફંડ આપશે.