ડ્યુક ઓફ એડિનબરાના નિધનનો શાહી શોક સમાપ્ત થયા બાદ મહારાણી આગામી વર્ષના પ્લેટિનમ જ્યુબિલી ઉત્સવ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરશે. આ અઠવાડિયાના અંતમાં બકિંગહામ પેલેસ પણ હંમેશની જેમ પોતાનું રાબેતા મુજબનું કામ શરૂ કરશે.
મહારાણી કામ પર પાછા ફરશે ત્યારે તેઓ પોતાની બાકીની પ્રવૃત્તિઓ પાર પાડવાની યોજના ધરાવે છે. ગયા વર્ષે સરકારે પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવા માટે ચાર દિવસની વિકેન્ડ રજાઓની ઘોષણા કરી હતી. ઉજવીણીના ભાગરૂપે દેશભરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને લંડન અને અન્ય શહેરોમાં ઉજવણી થશે. સશસ્ત્ર દળોના પ્રતિનિધિઓ સહિત લોકસેવાના કામ કરનારાઓને મેડલ આપવામાં આવશે.
વિન્ડસર કાસલ મહારાણીનું કાયમ માટે ઘર બનશે તેવા સૂચનોને સૂત્રો દ્વારા નકારવામાં આવ્યા છે. તેમ છતાં તેઓ નજીકના ભવિષ્ય માટે વિન્ડસર કાસલ ખાતે જ રહેશે અને કોવિડ પ્રતિબંધો દૂર થતાંની સાથે જ તેઓ બકિંગહામ પેલેસ પરત ફરશે. બકિંગહામ પેલેસ રોયલ્સની કચેરી અને વિશ્વની સૌથી પ્રતિમાત્મક ઇમારત છે. જ્યારે તે સલામત અને યોગ્ય હશે ત્યારે તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે.
રોગચાળા પહેલા રાણી સામાન્ય રીતે ગુરૂવારની સાંજ સુધી બકિંગહામ પેલેસમાં રોકાતા હતા અને ત્યારબાદ વિન્ડસર કાસલ જતા હતા. ત્યાંથી તેઓ દર સોમવારે લંડન પરત ફરતા હતા. અપેક્ષા છે કે પ્રતિબંધો સરળ થયા બાદ તેઓ તે પેટર્ન ફરીથી શરૂ કરશે.
શોક દરમિયાન રાણીએ નાના કાર્યક્રમો શરૂ કરી દીધા છે જેમાં નિવૃત્ત થનારા લોર્ડ ચેમ્બરલીન અને અર્લ પીલને ઔપચારિક વિદાય આપવાનો અને તેમના અનુગામી, લૉર્ડ પાર્કર ઓફ મિન્સમેરને આવકારતા કાર્યક્રમનો સમાવેશ થાય છે. શોક પૂરો થયા બાદ તેઓ વધુ કાર્યક્રમોમાં ભાગ લે તેવી સંભાવના છે.
પ્રિન્સ ઑફ વેલ્સ રાણીની વધુ જવાબદારીઓ લે તેવી સંભાવના નથી. ચાર્લ્સ પહેલેથી જ વિદેશી પ્રવાસો કરે છે. રાણી હજી પણ સરકારી કાગળોનું રેડ બોક્ષ મેળવે છે અને વડા પ્રધાન સાથે વાત કરે છે.