12 એપ્રિલ, સોમવારે વહેલી સવારે લેસ્ટરના નોર્થફિલ્ડ્સ વિસ્તારના બ્રાઇટન રોડ ખાતે એક કારમાંથી માથામાં અને છાતીમાં ગંભીર ઈજાઓ સાથે મળી આવેલા 47 વર્ષીય આનંદ પરમારનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મરણ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે. પોલીસે હત્યા સંદર્ભે પાંચ જણાની ધરપકડ કરી છે જેમની કસ્ટડીમાં પૂછપરછ કરાઇ રહી છે. લેસ્ટરના બે આરોપીઓ પર આનંદ પરમારની હત્યાના આરોપ મૂકવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીઓએ સોમવાર, તા. 12 એપ્રિલના રોજ સવારે 3 વાગ્યા પછી બ્રાઇટન રોડ પર લાલ વક્ઝોલ એસ્ટ્રા કારને “અનિયમિત રીતે” ચલાવતાં જોઇને આંતરી હતી. જેમાંથી 25 વર્ષીય એક વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી. કારની તલાશી લેતાં, અધિકારીઓને અંદરથી આનંદ પરમાર ઘણી ઈજાઓ સાથે મળી આવ્યા હતા. તેમને સારવાર માટે નોટિંગહામના ક્વીન્સ મેડિકલ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઇમર્જન્સી વિભાગમાં ઇજાગ્રસ્ત આનંદ પરમારની જીંદગી બચાવવા માટે ડોક્ટરોએ લડત ચલાવી હતી પરંતુ તેઓ તેમનું જીવન બચાવી શક્યા ન હતા.
તે સમયે કારમાં અન્ય કોઈ વ્યક્તિ ન હતી. પોલીસે શરૂમાં અપહરણ અને મોટર વાહનની ચોરીની શંકાના આધારે ઘટના સ્થળેથી 25 વર્ષના વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ આનંદ પરમારના મરણ બાદ હત્યાની શંકાના આધારે એક પછી એક પાંચ જણાની ધરપકડ કરવામાં આવી હતી.
લેસ્ટરના વેકરલી રોડ પર રહેતા 25 વર્ષીય જુરાત ખાન અને લેસ્ટરના માર્શ ક્લોઝના 34 વર્ષીય રેનાલ્ડો બાપ્ટિસ્ટને શુક્રવાર તા. 16 એપ્રિલના રોજ લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયા હતા. 40 વર્ષીય મહિલા અને 44 અને 34 વર્ષની વયના બે પુરુષો, જેમને 13 એપ્રિલ મંગળવારે વહેલી સવારે ધરપકડ કરાયેલા ત્રણને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 22 વર્ષીય યુવાનની હત્યાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે અને તા. 15ના રોજ ગુનેગારને મદદ કરવાની શંકાના આધારે ધરપકડ કરાયેલી બંને મહિલા કસ્ટડીમાં છે.
એન્ડી તરીકે ઓળખાતા આનંદ પરમારના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાતા માથામાં અને છાતીમાં નોંધપાત્ર ઇજાઓ થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું તેમ જણાયું હતું.
ઇસ્ટ મિડલેન્ડ્સ સ્પેશિયલ ઑપરેશન્સ યુનિટની મેજર ક્રાઇમ ટીમની આગેવાની હેઠળ તપાસ શરૂ થઈ હતી અને વધુ પૂછપરછ બાદ મંગળવારે (તા. 13) રાત્રે 11.50 વાગ્યે જ લેસ્ટરમાં હત્યાની શંકાના આધારે 34 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે વહેલી સવારે 40 વર્ષીય મહિલાની પણ હત્યાની શંકાના આધારે થરમસ્ટનમાં ધરપકડ કરવામાં આવી હતી અને થોડા સમય પછી 44 અને 34 વર્ષની વયના બે પુરુષોને ગુનામાં મદદ કરવાના શંકાના આધારે લેસ્ટરમાં ધરપકડ કરવામાં આવી હતી.
ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર ટોની યારવુડે જણાવ્યું હતું કે: “હું શ્રી પરમારના પરિવાર પ્રતિ શોક વ્યક્ત કરૂ છું. ધરપકડ કરાયેલા પાંચેય લોકો કસ્ટડીમાં છે, જ્યાં તપાસકર્તાઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમારી તપાસ ચાલુ છે. તેમના મૃત્યુ માટે જવાબદાર કોણ છે તે શોધવા માટે તપાસ કરી રહ્યા છીએ. અધિકારીઓ વધુ પૂછપરછ કરી રહ્યા છે અને જેમને પણ આ ઘટના અંગે માહિતી છે તેમને આગળ આવવા હું વિનંતી કરૂ છું. રવિવારે મોડી રાત્રે ઇવીંગ્ટન વિસ્તારમાં લાલ વક્સોલ એસ્ટ્રા કાર જોઇ હોય, સાક્ષીઓ અને કોઈપણ કે જેની પાસે ગુના વિશેની માહિતી હોય તેમની પાસેથી માહિતી મેળવવા માંગીએ છીએ. જો તમારી પાસે સીસીટીવી અથવા ડેશકેમ ફૂટેજ હોય તો પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે.”
પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે તપાસ કરી શકે તે આશયે સોમવારે થોડાક સમય માટે બ્રાઇટન રોડને કોર્ડન કરી દેવાયો હતો. આનંદ પરમાર સેન્ટ મેથ્યુઝના હોવાનું માનવામાં આવે છે.
પરિવારે પ્રેમાળ, રમૂજી પિતાને ભાવનાત્મક શ્રધ્ધાંજલિ આપી
આનંદ પરમારના પરિવારે પ્રેમાળ અને રમૂજી પિતા અને ભાઇને ભાવનાત્મક શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે “જે બન્યું તેનાથી અમારા દિલ સંપૂર્ણ રીતે તૂટી ગયા છે અને મને જે ખોટ પડી તેમાંથી બહાર આવવા સંઘર્ષ કરી રહ્યા છીએ. પોલીસ અધિકારીઓ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો અને જે બન્યું તેની મને જાણ કરી તે ક્ષણ અમારી સાથે કાયમ જીવશે. આવા આઘાતજનક સમાચાર સાંભળીને તમને જે લાગણી થાય તેને શબ્દોમાં મૂકવી મુશ્કેલ છે.’’
“તે અમારો પુત્ર, અમારા ભાઈ, અમારા પપ્પા હતા અને અમે તેમને ખૂબ જ યાદ કરીએ છીએ. તેઓ ખૂબ જ રમુજી માણસ હતા. તેઓ તમામ પ્રકારના લોકો સાથે મિત્રતા કરવામાં સમર્થ હતા અને બીજાની સંગતનો આનંદ માણતા હતા. તેઓ અમને અને અમે તેમને ખૂબ જ ચાહતા હતા. તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. આ બનાવ અંગે પણને કોઇ માહિતી હોય તો પોલીસને આપવા વિનંતી.’’
શ્રી પરમારના પરિવારે વિનંતી કરી છે કે આ સમયે તેમની ગોપનીયતાનો આદર કરવામાં આવે.
00000000