પોતાના સહજ અભિનયથી વિખ્યાત થયેલા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનું માનવું છે કે દરેક અભિનેતા પોતાની અલગ અલગ સ્ટાઈલના કારણે ફેમસ હોય છે અને એના જ કારણ તે સફળ હોય છે. તેણે કહ્યું કે જો નવા કલાકારો સુપરસ્ટારોની નકલ કરશે તો તેઓ ક્યારેય દર્શકોના દિલમાં સ્થાન નહીં બનાવી શકે અને લોકો તેને પસંદ નહીં કરે.
પોતાના અભિનય દ્વારા અનેક વખત દર્શકોનું દિલ જીતનાર નવાઝે કહ્યું હતું કે, ‘હું મારા અનુભવ પરથી એટલું જ કહેવા માંગુ છું કે તમારે તમારી સ્ટાઈલ છોડવી ન જોઈએ. આ બધા સુપરસ્ટાર્સ નકલી એક્ટિંગ કરે કરે છે, માટે તમારો રસ્તો તમે જાતે જ બનાવો. હું તમારો અસલ અભિનય જોવા માંગુ છું. જો તમે સુપરસ્ટારની જેમ જ વર્તન કરશો તો હું તમને શા માટે જોઉં. જો તમે કંઈક સારું, રસપ્રદ અને અસલી બતાવ્યું હશે તો જ હું તે જોવા માંગું છું.
નવાઝનું માનવું છે કે હવે સુપરસ્ટારો પણ ઓટીટી તરફ વળી રહ્યા છે કારણ કે ફિલ્મો રિલીઝ થઈ રહી નથી. તેમણે કહ્યું, ‘શરૂઆતમાં લોકો માત્ર સારા કામ અને જૂનુન માટે ઓટીટી તરફ જતાં હતાં. પરંતુ હવે લોકડાઉન થઈ રહ્યું છે અને જો ફિલ્મ થિયેટરોમાં રિલીઝ કરવામાં નહીં આવે તો મોટા સ્ટાર્સ ઓટીટીમાં આવી રહ્યા છે. એ સારું નથી. હવે મોટા ઓટીટી પ્લેટફોર્મ પણ સુપરસ્ટાર્સ સાથે કામ કરી રહ્યા છે. આ લોકો પહેલાં કેમ ત્યાં ન આવ્યા?