મંદિરના ગુરૂ તરીકે “અયોગ્ય પ્રભાવ”નો ઉપયોગ કરી ચાર યુવતીઓ પર બળાત્કાર ગુજારી ઉપાસકોનું આર્થિક શોષણ કરતા હોવાનો આક્ષેપ ધરાવતા કોવેન્ટ્રીના બેલ ગ્રીનમાં આવેલ બાબા બાલકનાથ મંદિરના ગુરૂ અને ભારતના ભૂતપૂર્વ ડ્રેપર અને કારકુન રાજીન્દર કાલિયા હાઇકોર્ટના દાવાના કેન્દ્રમાં છે. જો કે બળાત્કારના આરોપોને અપૂરતા પુરાવાના કારણે 2017માં પડતા મૂકાયા હતા.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે કથિત જાતીય દુર્વ્યવહાર સંબંધિત ગુનાઓનો આરોપ લગાવવાનો પ્રયાસ કર્યા પછી ગયા મહિને હાઈકોર્ટમાં કરોડો પાઉન્ડનો સિવિલ કેસ દાખલ કરાયો હતો.
આરોપ છે કે બળાત્કારની ફરિયાદ બાદ કાલિયાએ મંદિરે પરત ફર્યા બાદ અનુયાયીઓને જો વાત જાહેર કરી છે તો હિંસા, તોડફોડ અને મારવાની ધમકી આપી હતી. એક ફરિયાદીના કારના ટાયર ચીરવાનો, એક પર એસિડ એટેકની ધમકી આપવાનો આરોપ છે.
નુકસાન વળતર માંગતી ચાર મહિલાઓ હવે મંદિરની સભ્ય નથી. તેમના ઉપરાંત એક પુરુષ અને એક મહિલાએ દાવો કર્યો છે કે તેમણે કાલિયાને સોંપેલા £1.1 મિલિયન ગુમાવી ચૂક્યા છે. બીજી સ્ત્રીએ મોટી રકમ ગુમાવી હોવાનો દાવો કર્યો છે. સંખ્યાબંધ ખ્રિસ્તીઓ પણ તેના મંદિરમાં આવે છે.
ધ ટાઇમ્સના અહેવાલ અને કોર્ટ દસ્તાવેજના આરોપ મુજબ સેરેના ચાર વર્ષની હતી ત્યારે પહેલી વખત માતાપિતા સાથે મંદિરે ગઈ હતી. ચારથી છ વર્ષની વય વચ્ચે, તેને “અત્યંત અયોગ્ય ફેશન”માં ગળે લગાવીને કિસ કરવામાં આવી હતી. જ્યારે તે 20 વર્ષની હતી ત્યારે તેને કહેવાયુ હતું કે જાતીય કૃત્ય એ “ભગવાનની ઉપાસનાની એક રીત” છે. કાલિયા સામે આક્ષેપ છે કે તેણે સેક્સ કર્યું હતું અને તેણી “આદર અને આજ્ઞાના પાલન” તરીકે તેને નકારી શકી નહોતી. તે પાંચ મહિલાઓમાંની એક હતી જેમણે 2017માં પોલીસમાં જઇ એક વર્ષ કરતાં વધુ સમય સુધી ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસને કેસ ચલાવવા વિનંતી કરી હતી.
1988માં 11 વર્ષની વયે મંદિરમાં ગયેલી આશાએ દાવો કર્યો હતો કે તેની વિરુદ્ધ અભદ્ર હુમલો કરી વારંવાર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. 21 વર્ષની વયે તેને સંભોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કાલિયા પર આરોપ છે કે તેણીના જીવનના દરેક પાસાંને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર્યો હતો. તે ઉનાળાની રજાઓમાં 15 કલાક કાલિયા માટે બિલ્ડીંગ વર્ક કરતી હતી.
શેરોને એક નાનકડી છોકરી તરીકે મંદિરમાં જવાનું શરૂ કર્યું હતું અને તેને નર્કની બીક આપવામાં આવી હતી. તેણી 16 વર્ષની હતી ત્યારે તેની સાથે જાતીય હુમલો અને પુખ્ત વયે બળાત્કાર કરવામાં આવ્યો હતો તેવો દાવો કરાયો હતો. કાલિયાએ તમામ ખોટા કામોને નકારી કાઢ્યા હોવાનું સમજી શકાય છે.
છ વર્ષ અગાઉ, વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના બે પોલીસ કોમ્યુનિટી સપોર્ટ ઓફિસર કાલિયા પાસેથી £2,500નો ચેક સ્વીકારતા હોવાનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા દાન અંગે હજી સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી, જોકે તેનાથી તપાસ પ્રભાવિત થઇ હોવાનું કોઈ સૂચન નથી. એક સ્થાનિક એનએચએસ ટ્રસ્ટે પણ દાન સ્વીકાર્યું હોવાનું એકાઉન્ટ્સમાં નોંધાયેલું છે.
પોતાને ભગવાન તરીકે ઓળખાવતા કાલિયા પર સેંકડો અનુયાયીઓને સમજાવવા માટે ભાષણો અને યુક્તિઓનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં ઘણી સંવેદનશીલ મહિલાઓ છૂટાછેડા લીધેલી અથવા શોકમગ્ન હતી. હાઈકોર્ટના દાવામાં દુષ્કર્મના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં એક બળાત્કાર બાદ સ્લિપ ડિસ્કનો ભોગ બનેલી મહિલા અને ચાર વર્ષની બાળકીને ગૃમ કરાઇ હોવાના આરોપ છે.
પોતાને બાબા બાલક નાથ તરીકે ઓળખાવાતા કાલિયાના જન્મદિવસે અને મંદિરના વિશેષ પ્રસંગોએ તેના પગ ચૂમવા સ્ત્રી ભક્તોની લાઇનો લાગે છે. કેટલીકવાર તે મુગટ પહેરે છે અને દર વર્ષે ભક્તો તેની સાથે ભારતના તેમના મંદિરની યાત્રામાં જોડાય છે.
કોર્ટના દાવા મુજબ, ભક્તો નિયમિતપણે હજારો પાઉન્ડ વોરીકશાયરના રેયટન-ઓન-ડન્સમોર ગામમાં સ્વીમીંગ પૂલ સાથેના ગેટેડ હાઉસમાં રહેતા કાલિયાને સોંપે છે. કોવેન્ટ્રીની બહાર £1 મિલિયનની ઓલ્ડ હોલ બુટિક હોટલની માલિકી પણ ધરાવે છે. જ્યારે મંદિર કાલિયાના પરિવારની માલિકીનું છે.
કાલિયાએ ધ ટાઇમ્સ દૈનિક સમક્ષ તેના વકીલો દ્વારા ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, તેણે કહ્યું છે કે તે હાઈકોર્ટના દાવાનો બચાવ કરશે. સિદ્ધ બાબા બાલક નાથને ભગવાન શિવના પુત્ર ભગવાન કાર્તિકેયનો પુનર્જન્મ માનવામાં આવે છે. ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં તેમની ઉપાસના શરૂ થઈ હતી.