ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. દેશમાં 15 એપ્રિલ પછીથી સતત છ દિવસ માટે કોરોનાના બે લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. દેશમાં મંગળવારે વિક્રમજનક 2,59,170 નવા કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1.53 કરોડને વટાવી ગઈ હતી. છેલ્લાં 16 દિવસમાં કોરોનાના નવા 27 લાખ કેસ નોંધાયા હતા. એક્ટિવ કેસની સંખ્યા પણ 20 લાખને પાર કરી ગઈ હતી. 1,761 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,80,530 થયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં આંશિક લોકડાઉન, વીકએન્ડ લોકડાઉન જેવા આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં વિક્રમજનક કેસો નોંધાઈ રહ્યાં છે. આ રાજ્યોમાં હેલ્થ સિસ્ટમ પર તીવ્ર દબાણ આવ્યું છે. હોસ્પિટલો ભરાઈ ગઈ છે. રેમડેસિવિર જેવા દવા, મેડિકલ ઓક્સિનનની અછત સર્જાઇ છે. સ્માનગૃહોમાં અંતિમક્રિયા માટે લાંબી લાઇનો છે અને લોકો બેહાલ બન્યાં છે. સરકારના મંગળવાર સવારના ડેટા મુજબ એક્ટિવ કેસની સંખ્યા સતત 41માં દિવસે વધીને 20,31977 થઈ હતી, જે કુલ કેસના 13.26 ટકા છે. રાષ્ટ્રીય રિકવરી રેટ ઘટીને 86 ટકા થયો હતો. કોરોનામાંથી અત્યાર સુધી આશરે 1,31,08,582 લોકો રિકવર થયા છે. કોરોનાનો મૃત્યુદર કથળીને 1.19 ટકા થયો હતો. ICMRના જણાવ્યા અનુસાર 18 એપ્રિલ સુધી 26,78,94,549 લોકોના કોરોના ટેસ્ટ થયો હતા. એક દિવસમાં 13,56,133 લોકોના ટેસ્ટ થયા હતા.
દેશમાં કોરોના કુલ કેસમાંથી દસ રાજ્યોમાં 77.67 ટકા નવા કેસ નોંધાયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં સોમવારે સૌથી વધુ 58,924 નવા કેસ નોંધાયા હતા. કોરાનાએ રૌદ્વ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ભારતના સૌથી સમૃદ્ર રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસની ચેઈન તોડવા 15 દિવસના આંશિક લોકડાઉનની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. ૧૪ એપ્રિલ બુધવારના રાત્રે ૮ વાગ્યાથી આગામી ૧૫ દિવસ સુધી કરફયુ લાગુ કરવાની જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ કરી હતી. આ આંશિક લોકડાઉનમાં મોલ્સ, દુકાનો, હોટેલો, બાર, વાઈન શોપ, બાગ-બગીચા, થીએટર, નાટયગૃહ, ધાર્મિક – પ્રવાસન સ્થળો, સામાજિક – રાજકીય કાર્યક્રમ, સલૂન, બ્યુટી પાર્લર, શૈક્ષણિક સંસ્થા, કલાસીસ વગેરે બંધ રહેશે.
ઉત્તરપ્રદેશમાં 28,211 અને દિલ્હીમાં 23,686 નવા કેસ નોંધાયા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવાર, 19 એપ્રિલ 2021ના રાત્રીના 10 વાગ્યાથી આગામી સોમવારના સવારના પાંચ વાગ્યા સુધી છ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. કોરોના કેસોમાં જંગી વધારાને પગલે હેલ્થ સિસ્ટમ પર ભારે દબાણ ઉભું થયું હોવાથી રાજ્ય સરકારે સોમવારે આ નિર્ણય કર્યો હતો.
ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદ હાઇ કોર્ટે 19 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન લખનૌ, વારાણસી. પ્રયાગરાજ, કાનપુર અને ગોરખપુરમાં લોકડાઉન લાદવાની તાકીદ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે આપ્યો હતો. રાજ્ય સરકારે આ પછી વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી.
20 એપ્રિલે દેશના કુલ એક્ટિવ કેસમાંથી 62.07 ટકા કેસ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં હતા. દેશમાં 19 એપ્રિલે થયેલા કુલ 1,761 મોતમાંથી 82.74 ટકા મોત દસ રાજ્યોમાં થયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 351 અને દિલ્હીમાં 240 લોકોના મોત થયા હતા. દેશમાં 18 એપ્રિલ સુધીમાં વેક્સીનના કુલ 13 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.