દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવાર, 19 એપ્રિલ 2021ના રાત્રીના 10 વાગ્યાથી આગામી સોમવારના સવારના પાંચ વાગ્યા સુધી છ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. કોરોના કેસોમાં જંગી વધારાને પગલે હેલ્થ સિસ્ટમ પર ભારે દબાણ ઉભું થયું હોવાથી રાજ્ય સરકારે સોમવારે આ નિર્ણય કર્યો હતો. છેલ્લાં કેટલાંક દિવસથી દિલ્હીમાં 25,500થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યાં છે.
ઓનલાઇન પત્રકાર પરિષદમાં કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હીની હેલ્થ સિસ્ટમ પર ભારે દબાણ આવ્યું છે. દિલ્હીની હેલ્થ સિસ્ટમ ભાંગી ન પડે તે માટે લોકડાઉન જરૂરી છે. દર્દીની સંખ્યામાં વધારાથી મેડિસિન, બેડ, આઇસીયુ અને ઓક્સિજનની અછત સર્જાઈ છે.
લોકડાઉન લાદવાનો નિર્ણય સરળ ન હોવાનો ઉલ્લેખ કરતાં કેજરીવાલે અનુરોધ કર્યો હતો કે પરપ્રાંતિય મજૂરો દિલ્હીમાંથી હિજરત ન કરે. સરકાર તેમની સંભાળ રાખશે. લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. 50 લોકોની મર્યાદા સાથે લગ્નસમારંભને મંજૂરી આપવામાં આવશે અને તે માટે વિશેષ પાસ જારી કરાશે.
એક સપ્તાહના લોકડાઉન દરમિયાન દિલ્હીમાં આકરા પ્રતિબંધો અમલી રહેશે. દિલ્હીમાં કારણ વગર બહાર નહીં નીકળી શકાય. માત્ર જરૂરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જ બહાર નીકળી શકશે. દિલ્હીની તમામ ખાનગી ઓફિસોએ વર્ક ફ્રોમ હોમ કરવું પડશે, સરકારી કાર્યાલયોમાં અડધા સ્ટાફ સાથે કામ ચાલશે.
લોકડાઉનમાં હોસ્પિટલ, મેડિકલ સ્ટોર કે વેક્સિન માટે જવાની છૂટ મળશે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન જવા માંગતા લોકોને પણ છૂટ મળતી રહેશે. મેટ્રો અને બસ સેવા ચાલુ રહેશે પરંતુ 50 ટકા મુસાફરો સાથે. દિલ્હીમાં બેંક, એટીએમ ખુલ્લા રહેશે. સાથે જ પેટ્રોલ પંપ પણ ખુલ્લા રહેશે. ધાર્મિક સ્થળો ખુલ્લા રાખવામાં આવશે. પરંતુ મુલાકાતીઓને પ્રવેશ નહીં અપાય.
દિલ્હીમાં તમામ થિએટર્સ, ઓડિટોરિયમ, સ્પા, જિમ, સ્વિમિંગ પુલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલેથી નિર્ધારિત લગ્નોના કાર્યક્રમોને છૂટ મળશે પરંતુ 50થી ઓછા વ્યક્તિઓને હાજર રાખી શકાશે અને તેના માટે ઈ-પાસ લેવો પડશે. જરૂરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આઈડી કાર્ડ દેખાડીને બહાર નીકળી શકશે.