ભારતના ગૃહ મંત્રાલયે ઓવરશીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ ઇશ્યૂ કરવાના નિયમો સરળ બનાવ્યા છે. નવા નિયમ મુજબ 20 વર્ષની ઉંમર બાદ OCI કાર્ડહોલ્ડર તરીકે રજિસ્ટ્રેશન કરાવનારા વ્યક્તિએ નવો પાસપોર્ટ ઇશ્યૂ થાય ત્યારે નવું OCI કાર્ડ લેવું પડશે નહીં.
જુના નિયમો મુજબ 20 વર્ષની ઉંમર સુધી નવો પાસપોર્ટ ઇશ્યૂ થાય ત્યારે નવું OCI કાર્ડ લેવું પડતું હતું. 50 વર્ષની ઉંમર બાદ પણ નવું કાર્ડ લેવું પડતું હતું. આ નિયમ હવે દૂર કરવામાં આવ્યા છે.
ઇન્ડિયન અમેરિકન્સે ઓવરશીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડની પ્રક્રિયાને સરળ બનાવવાના ભારત સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે વધુ વિદેશી ભારતીય નાગરિકો હવે નાગરિકતાના આવા વિકલ્પને અપનાવશે.
ભારતના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર OCI કાર્ડહોલ્ડર્સે માત્ર એક વખત 20 વર્ષની ઉંમરે આ કાર્ડ ફરી લેવું પડશે. અગાઉ આ કાર્ડ ઘણીવાર રિન્યુ કરાવવું પડતું હતું.
“ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયા ઓરિજિન (GOPIO)ના ચેરમેન ડો. થોમસ અબ્રાહમે ગુરુવારે જણાવ્યું હતું કે સરકારના નિર્ણયથી 20 અને 50 વર્ષની ઉંમરે કાર્ડ રિન્યુ કરવાની પ્રક્રિયા અંગેની ગૂંચવણો દૂર થશે અને તેનાથી OCI કાર્ડને ફરી રિન્યૂ કરવાની સમગ્ર પ્રોસેસ કરવી પડશે નહીં. આ નિર્ણયથી વધુ વિદેશી ભારતીયોને OCI બનવાનું પ્રોત્સાહન મળશે તથા ભારતને ટ્રાવેલ, બિઝનેસ અને રોકાણ મારફત લાભ થશે.
OCI કાર્ડ વિદેશી ભારતીયમાં લોકપ્રિય છે. તેનાથી ભારતમાં લોંગ ટર્મ વીઝા ફ્રી ટ્રાવેલ અને સ્ટે શક્ય બને છે. આ કાર્ડથી ઘણા વિશેષાધિકાર પણ મળે છે. ભારત અત્યાર સુધી આશરે 37.72 લાખ OCI કાર્ડ જારી કર્યા છે.
અગાઉના નિયમ મુજબ 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધુ ઉંમરના OCI કાર્ડહોલ્ડર્સે તેમનો પાસપોર્ટ રિન્યુ થાય ત્યારે દરેક વખતે OCI કાર્ડ માટે નવેસરથી અરજી કરવી પડતી હતી. તેનાથી ભારતીય મૂળના લોકોને ઘણી મુશ્કેલી પડતી હતી.
ભારતના ગૃહ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે OCI કાર્ડહોલ્ડર્સની સુવિધા માટે ભારત સરકારે આ જરૂરિયાતને નાબૂદ કરી છે.
કોઇ વ્યક્તિએ 20 વર્ષની ઉંમર પહેલા OCI કાર્ડહોલ્ડર તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તેમણે 20 વર્ષની ઉંમર પૂરી થયા બાદ નવો પાસપોર્ટ મળે ત્યારે માત્ર એક વખત OCI કાર્ડ ફરી લેવું પડશે, જેથી પુખ્યવયે તેમના ફેસિયલ ફિચર્સને મેળવી શકાય.
જો વ્યક્તિએ 20 વર્ષની ઉંમર બાદ OCI કાર્ડહોલ્ડર તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો ફરીથી OCI કાર્ડ મેળવવાની જરૂર રહેતી નથી.
ન્યૂ યોર્ક સ્થિત સોસિયલ એક્ટિવિસ્ટ પ્રેમ ભંડારીએ જણાવ્યું હતું કે OCI પ્રોસેસને સરળ કરતી માર્ગરેખા ખરેખર OCIને લાઇફ લોંગ વીઝા બનાવે છે. અગાઉ તે માત્ર લોંગ ટર્મ વીઝા હતા.
GOPIOએ વિદેશી ભારતીય સમુદાયના બીજા મુદ્દાનો ઉકેલ લાવવાનો પણ ભારત સરકારને અનુરોધ કર્યો હતો. ડો અબ્રાહમે જણાવ્યું હતું કે ભારતમાં બિઝનેસમાં રોકાણ કરતા અને રોજગારીનું સર્જન કરતાં OCI કાર્ડહોલ્ડર્સને ભારતીય નાગરિકની સમકક્ષ ગણવા જોઇએ. ભારતમાં મેન્યુફેક્ચરિંગ અને રિસર્ચ જેવા બિઝનેસમાં સરકારની વિવિધ એજન્સીઓએ OCI કાર્ડહોલ્ડર્સને વિદેશી ન ગણવા જોઇએ.