ભારતની રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના ઝડપી ફેલાવાને પગલે રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વીકેન્ડ લોકડાઉનની ગુરુવારે જાહેરાત કરી હતી.. આ લોકડાઉન શુક્રવારે રાતે 10 વાગ્યાથી શરૂ થશે અને સામવારે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.
દિલ્હીમાં બુધવારે કોરોના વાઇરસના નવા 17 હજારથી વધુ કેસ નોંધાયા હતાં જે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક કેસ છે. એક દિવસમાં કોરોનાના કારણે 104 લોકોના મોત થયા હતા. છેલ્લા ચાર દિવસની અંદર રાજધાનીમાં 45 હજાર કરતા પણ વધારે કોરોના કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં અગાઉ થોડા દિવસ પહેલા જ નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.
વીકએન્ડ કરફ્યૂ દરમિયાન માત્ર આવશ્યક સેવા ચાલુ રહેશે. લગ્ન માટે તથા એરપોર્ટ, રેલવે સ્ટેશન જતાં લોકોને કરફ્યૂ પાસ મળશે. જીમ, સ્વીમિંગ પૂલ, મોલ, સભાખંડો વધુ આદેશ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. સિનેમાં હોલ 30 ટકા ક્ષમતાએ કામ કરશે. હોટેલમાં માત્ર ટેઇક અવેને મંજૂરી મળશે.