યુકેમાં સૌ પ્રથમ દેખા દેનારા કોરોનાના ઘાતક વેરીઅન્ટ બી.1.1.7ના યુએસએના તમામ 50 રાજ્યોમાં ફેલાઇ જવાને કારણે તેના 15,000 કરતાં વધારે કેસો નોંધાયા છે. અમેરિકા કોરોના મહામારી સામે લડતાં થાકી ગયું હશે પણ કોરોના વાઇરસ હજી થાક્યો નથી તેમ મિનેસોટા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ફેક્શિયસ ડિસિઝ રિસર્ચ એન્ડ પોલિસીના ડાયરેકટર ડો. માઇકલ ઓસ્ટરહોમે જણાવ્યું હતું.
તેમણે સીએનએનના એરીન બર્નેટને જણાવ્યું હતું કે યુએસમાં તમામ અમેરિકનોને કોરોનાની રસી આપવા માટે હોડ જામી છે, આ રસી વેરીઅન્ટ સામે અસરકારક પણ છે પણ મોટી ચિંતા એ છે કે યુએસ આ રસી એટલી ઝડપથી નહીં આપી શકે જેનાથી નવા મોજાને અટકાવી શકાય. હાલ જે ઝડપે રસી મુકવામાં આવી રહી છે તે જોતાંછથી દસ સપ્તાહમાં રસી મુકી શકાય તેમ નથી અને તે દરમ્યાન કોરોનાનું નવું મોજું આવી શકે છે. હાલ અમેરિકામાં દુનિયાની સરેરાશ કરતાં પાંચ ગણી ઝડપે કોરોનાની રસી મુકવામાં આવી રહી છે છતાં માત્ર 40 ટકા અમેરિકનોને જ રસી મુકી શકાઇ છે. ઓછી આવક ધરાવતાં દેશોમાં વેરીઅન્ટને કારણે સ્થિતિ કાબૂ બહાર જઇ શકે છે.
બીજી તરફ સાઉદી સરકારે જણાવ્યું હતું કે જે લોકોએ કોરોનાની રસી મુકાવી હશે તેમને જ ઉમરાની યાત્રા-મક્કાની યાત્રા કરવા દેવાની પરવાનગી આપવામાં આવશે.હજથી ઉલટું ઉમરાની નાની યાત્રા વર્ષમાં ગમે ત્યારે કરી શકાય છે.
મદિનામાં હઝરત પયંગબરની મસ્જિદમાં પ્રવેશ કરવા માટે પણ આ જ શરત લાગુ પડશે. આ નવી પોલીસી રમઝાન મહિનાની શરૂઆતથી લાગુ પાડવામાં આવશે. સાઉદીમાં 3,93,000 લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે અને કોરોનાના કારણે 6700 જણાના મોત થયા છે.