ગુજરાત હાઇ કોર્ટે સોમવારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને લોકોને પડતી મુશ્કેલીના મુદ્દે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે રાજ્યની વાસ્તવિક સ્થિતિ સરકારના દાવાથી તદ્દન અલગ છે.
રાજ્યમાં કોરોનાવાઇરસની સ્થિતિ અંગે સુઓ મોટો (પોતાની રીતે) સુનાવણી કરતાં મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ ભાર્ગવ કારિયાની ખંડપીઠે જણાવ્યું હતું કે લોકોને હવે લાગે છે કે તેઓ માત્ર ભગવાન ભરોસે છે.
કોરોનાની સ્થિતિનો સામનો કરવા ગુજરાત સરકારે લીધેલા પગલાંની એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ માહિતી આપ્યા બાદ કોર્ટે જણાવ્યું હતું કે સરકારના દાવા કરતાં વાસ્તવિકતા તદ્દન અલગ છે.
કોરોના દર્દી માટે રેમડેસિવિર ઇન્જેક્શનની અછતની ફરિયાદો અંગે હાઇ કોર્ટે જણાવ્યું હતું કે રેમડેસિવિરની કોઇ અછત નથી. તમામ તમારી પાસે છે. અમને કારણો નહીં, પરંતુ પરિણામો જોઇએ છે. કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે લોકોને RT-PCR ટેસ્ટનું રિઝલ્ટ મેળવતા આશરે પાંચ દિવસ થાય છે. તમારી પાસે સમય હતો ત્યારે તમે ટેસ્ટિંગ સુવિધામાં વધારો કર્યો ન હતો.