ભારતમાં છેલ્લાં ત્રણ દિવસથી દૈનિક એક લાખથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા જ દેશમાં ફરીથી આકરા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. દેશના અનેક શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરાયો છે અને અનેક રાજ્યોએ વીકએન્ડ લોકડાઉનનો રસ્તો પણ અપનાવી લીધો છે.
વીકએન્ડ લોકડાઉનને કારણે શુક્રવારે ઘણા શહેરોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી હતી. બીજી તરફ મોટા શહેરોમાં લોકડાઉનને પગલે પ્રવાસી મજૂરો પણ હિજરત કરી રહ્યાં છે. મુંબઈ અને સુરતથી જતી ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આવામાં રેલવે સ્ટેશન પર વધતી સંખ્યાના લીધે વાયરસનો ફેલાવો થવાનો ડર પણ વધી રહ્યો છેસંપૂર્ણ મહારાષ્ટ્રમાં શુક્રવારથી વીકેન્ડ લોકડાઉનની શરૂઆત થઈ રહી છે, જે સમગ્ર એપ્રિલ મહિના દરમિયાન લાગુ રહેશે. શુક્રવાર સાંજથી સોમવાર સવાર સુધી લોકડાઉન રહેશે. મુંબઈ, નાગપુર, નાસિક, થાણે, પુણે જેવા શહેરોમાં કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યા છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વીકેન્ડ લોકડાઉનની શરૂઆત પહેલા શુક્રવારે સવારે બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. દાદરના શાક માર્કેટમાં લોકોનું કીડીયારૂ ઉભરાયું હતું અને લોકો લોકડાઉન પહેલા સામાન ખરીદવા ધસી પડ્યા હતા.
મધ્યપ્રદેશના તમામ શહેરોમાં પણ શુક્રવારે સાંજે 6:00 વાગ્યાથી સોમવારે સવારે 6:00 વાગ્યા સુધી લોકડાઉન લાગુ રહેશે. માત્ર જરૂરી સેવા સાથે સંકળાયેલા લોકોને જ બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે. છિંદવાડામાં તો 8મી એપ્રિલથી 7 દિવસ માટેનું સંપૂર્ણ લોકડાઉન લાગુ થઈ ગયું છે. કોલારમાં 9મી એપ્રિલથી 9 દિવસ માટેનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. છત્તીસગઢના રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. રાયપુરમાં 9 એપ્રિલથી 19 એપ્રિલ સુધી બધુ બંધ રહેશે. છત્તીસગઢના દુર્ગમાં પણ સંપૂર્ણ લોકડાઉન છે. ત્યાં 6થી 14 એપ્રિલ સુધી તમામ જગ્યાઓ બંધ રહેશે.