જોરદાર રસીકરણ, ઝડપથી ઘટી રહેલા હોસ્પિટલ પ્રવેશ અને મોતના દર અને દેશની અડધી વસ્તીમાં વિકસેલા એન્ટીબોડીઝને પગલે કોરોનાવાયરસ રોગચાળાની સ્થિતીમાં જોરદાર સુધારો આવી રહ્યો હોવાથી અગાઉની યોજના મુજબ ઇંગ્લેન્ડમાં 12 એપ્રિલથી લોકડાઉન વધુ હળવુ કરાઇ રહ્યું છે. દેશભરમાં બિન-આવશ્યક દુકાનો, જિમ અને હેરડ્રેસરની સાથે બહાર ખુલ્લામાં દારૂ તથા ભોજન પીરસતા પબ અને રેસ્ટૉરન્ટ્સને આવતા સોમવાર તા. 12 એપ્રિલથી ફરીથી ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. આમ છતાં વડા પ્રધાન બોરિસ જોન્સને સૌને સાવચેતી રાખવાની વિનંતી કરતાં કહ્યું છે કે “આપણે આત્મસંતુષ્ટ થઇ શકીએ નહીં.’’ સરકાર કોવિડ સ્ટેટસ સર્ટિફિકેટની સંભવિત ભૂમિકાની તપાસ પણ કરી રહી છે જે માટે ચકાસણી કરવાના પાયલોટ કાર્યક્રમની શરૂઆત અપ્રિલની મધ્યમાં થશે.
ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સંબોધન કરતા વડા પ્રધાને કહ્યું હતું કે સરકાર આશાવાદી છે કે લોકડાઉનના આગળના તબક્કામાં તા 17 મેના રોજથી ઇન્ટરનેશનલ ટ્રાવેલની શરૂઆત કરી શકે છે. પરંતુ સાથે સાથે તેમણે વિશ્વના અન્ય ભાગોમાં કોરોનાવાયરસના પ્રભાવ અંગે પણ ચેતવણી આપી હતી. આ માટે સરકાર વાજબી રીતે ઉડ્ડયન ઉદ્યોગને શક્ય તેટલી વહેલી નોટિસ આપવાનું લક્ષ્ય રાખે છે.
કોવિડ સર્ટિફીકેટ્સ, વિશાળ કાર્યક્રમોના આયોજન, આંતરરાષ્ટ્રીય મુસાફરી અને સામાજિક અંતરનાં નિયમો અંગે સમીક્ષા કરી સરકારે પ્રકાશિત કરેલા અપડેટમાં જણાવ્યું છે કે વિદેશની રોગચાળાની સ્થિતિને જોતાં 17 મી મેથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ ફરી શરૂ થઈ શકે છે. પરંતુ સરકાર હજૂ થભો અને રાહ જૂઓની નીતિ અખત્યાર કરી રહી છે. સરકારે લોકોને પણ ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વિદેશની સમર હોલીડેઝ બુક ન કરાવવાની સલાહ આપી છે. વિદેશી મુસાફરી માટે જોખમ આધારિત “ટ્રાફિક લાઇટ” સિસ્ટમ પરની વધુ વિગતો પણ આ અઠવાડિયાના અંતે પ્રકાશિત કરાશે. જેમાં કયા દેશમાં જઇ શકાશે અને કયા દેશમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેની માહિતી રજૂ થશે.
કોવિડ સ્ટેટસ સર્ટિફિકેટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને તેમાં રસી લીધેલી છે, તાજેતરમાં નેગેટીવ ટેસ્ટ કરાયો છે અને કુદરતી રોગપ્રતિકારક શક્તિ છે કે કેમ તેની માહિતી અપાશે. એનએચએસ આ માટે ડિજિટલ અને નોન-ડિજિટલ રીતો પર કામ કરી રહી છે, પરંતુ તેમાં કોમ્પ્યુટર એપ્લિકેશનનો ઉપયોગ કરાશે કે નહિ તેની વિગતો મળી નથી. બીજી તરફ 40થી વધુ કન્ઝર્વેટિવ સાંસદોએ નોકરી અને સેવાઓ મેળવવા માટે વેક્સીન પાસપોર્ટના ઉપયોગનો વિરોધ કરતા ક્રોસ-પાર્ટી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. વિવેચકોએ આ પ્રકારના પગલાને ભેદભાવપૂર્ણ ગણાવ્યા છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટ અને આવશ્યક દુકાનો કે સેવાઓ માટે ક્યારેય પણ કોવિડ સ્ટેટસ સર્ટિફિકેટની જરૂર રહેશે નહીં, પરંતુ તે લોકોને થિયેટરો, નાઇટક્લબો અને તહેવારો કે રમતગમત જેવા કાર્યક્રમોમાં પાછા ફરવા માટે ભૂમિકા ભજવી શકે છે. આ માટે સરકાર જે તે ઉદ્યોગ સાથે પરામર્શ કરશે.
દરમિયાન, ટોરીના ફોર્મર ચિફ વ્હીપ અને કોવિડ રીકવરી ગૃપ ઓફ લોકડાઉન-સ્કેપ્ટીક્સના નેતા માર્ક હાર્પરે પાર્લામેન્ટમાં વેક્સીન પાસપોર્ટ પર મત આપવાની હાકલ કરી છે.
ઇંગ્લેન્ડના દરેકને શુક્રવારથી એક અઠવાડિયામાં બે રેપીડ કોરોનાવાયરસ ટેસ્ટીંગ માટે સુવિધા આપવાનું શરૂ થઇ રહ્યું છે ત્યારે વડાપ્રધાન જોન્સને લોકોને તેનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા છે.
દરમિયાન, પ્રો. વિટ્ટીએ ચેતવણી આપી હતી કે “આ વાયરસ નજીકના ભવિષ્યમાં પણ આપણી સાથે જ રહેશે”. તો સર પેટ્રિકે જણાવ્યું હતું કે ‘’રોગચાળો આપણા સૌના વર્તનમાં લાંબા ગાળાના બદલાવ લાવી શકે છે.’’ સરકારના ઇમરજન્સીઝ (સેજ) માટેના વૈજ્ઞાનિક સલાહકાર જૂથની આગાહી છે કે ઇન્ડોર મિક્સિંગની પરવાનગી જેવા પગલાથી હોસ્પિટલમાં દાખલ થવાના અને મૃત્યુ થવાની સંભાવના છે.