ભારતમાં કોરોના વાઇરસના દૈનિક કેસોની સંખ્યા આ મહામારીના ફેલાવા પછી સૌથી વધુ નોંધાઈ હતી. દેશમાં ત્રણ દિવસની અંદર ફરી વખત કોરોનાના કેસની સંખ્યા 1 લાખને વટાવી ગઈ હતી અને નવો રેકોર્ડ બન્યો છે.
આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલી માહિતી મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં 1.15 લાખ નવા કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. દેશમાં એક દિવસમાં 630 લોકોના મોત પણ થયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 28માં દિવસે વધીને 8.43 લાખ થઈ હતી, જે કુલ કેસના આશરે 6.59 ટકા છે. એક્ટિવ કેસની સંખ્યા છેલ્લા બે જ દિવસમાં 7 લાખ પરથી વધીને 8 લાખને પાર થઈ છે. એકલા મંગળવારે જ રેકોર્ડ નોંધાવતા 54000 એક્ટિવ કેસ આવ્યા છે.
મંગળવારે એક દિવસમાં 1,15,249 કોરોના કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ ગત રવિવારે નોંધાયેલા 1,03,844 કરતા ઘણા વધારે છે. ભારત અમેરિકા બાદ બીજો એવો દેશ છે જ્યાં કોરોનાના એક દિવસમાં 1 લાખ કરતા વધારે કેસ નોંધાયા હોય.
વાયરસના કારણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 630 લોકોના મોત નોંધાયા છે. જે દેશમાં 5 નવેમ્બર બાદથી સૌથી મોટો આંકડો છે. દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વધુ ખતરનાક સાબિત થઈ રહી છે. છત્તિસગઢ દેશના એ ત્રણ રાજ્યોમાં છે જ્યાં એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય. અહીં મંગળવારે એક દિવસમાં 9921 કોરોના કેસ નોંધાયા હતા. જે સાથે બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્ર પછી એક દિવસમાં 9000 કેસનો માર્ક પાર કરનાર બીજુ રાજ્ય બન્યું છે. જે બાદ મધ્યપ્રદેશમાં 3722 અને પછી ગુજરાતમાં 3280 નવા કોરોના કેસ મંગળવારે નોંધાયા છે.
દેશમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. અહીં મંગળવારે પણ સૌથી વધુ 55,469 કોરોના કેસ નોંધાયા હતા. જે ગત રવિવારના 57,000 બાદ બીજા નંબરનો સૌથી વધુ મોટો આંકડો છે. આ સાથે જ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક દિવસમાં 10,040 કેસ નોંધાયા છે. જે શહેર માટે અત્યાર સુધીનો બીજા નંબરનો સૌથી મોટો આંકડો છે.
કર્ણાટકમાં પણ 6150 નવા કોરોના કેસ નોંધાયા છે જે ઓક્ટોબર 2020 બાદ રાજ્ય માટે સૌથી વધુ છે. તો ઉત્તરપ્રદેશમાં પણ 5928 કેસ નોંધાયા છે. જે સપ્ટેમ્બર 2020થી અત્યાર સુધીમાં રાજ્ય માટે મોટો આંકડો છે. તો દિલ્હીમાં 27 નવેમ્બર બાદથી સૌથી વધુ 5100 કેસ મંગળવારે નોંધાયા છે. દેશમાં કુલ 630 મૃત્યુ પૈકી 297 મોત એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તેવી જ રીતે પંજાબમાં 62, છત્તિસગઢમાં 53, કર્ણાટકમાં 39 અને ઉત્તર પ્રદેશમાં 30 કેસ નોંધાયા છે.