બોલિવૂડ સ્ટારમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે અક્ષય કુમાર અને ગોવિંદા કોરોના સંક્રમિત થયા થયા બાદ વધુ બે એક્ટર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે અભિનેત્રી ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ કોરોના સંક્રમિત થયા હતા. બંને એક્ટર્સે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગેની જાહેરાત કરી હતી.
ભૂમિ પેડનેકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજની વાત કરું તો હળવા લક્ષણો દેખાઈ રહ્યા છે, પરંતુ તબિયત સારી છે અને હું આઈસોલેટ થઈ છું. મારા ડૉક્ટર અને આરોગ્ય કર્મચારીની સૂચનાઓનું બરાબર પાલન કરી રહી છું. જો તમે મારા સંપર્કમાં આવ્યો હોય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવાની વિનંતી છે. ભૂમિની આ પોસ્ટ પર ફેન્સ અને મનોરંજન ઈન્ડસ્ટ્રીના લોકો કોમેન્ટ કરીને જલદી સાજી થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
વિકી કૌશલે પણ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે તમામ કાળજી અને તકેદારી રાખવા છતાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છું અને ઘરે જ ક્વોરન્ટીન થયો છું. મારા ડૉક્ટરે જણાવ્યા અનુસારની દવા લઈ રહ્યો છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી છે. ધ્યાન રાખો અને સુરક્ષિત રહો. વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર ફિલ્મ ‘મિસ્ટર લેલે’નું શૂટિંગ કરી રહ્યા હતા
રવિવારે કોરોના પોઝિટિવ આવેલા અક્ષય કુમારને સાવચેતીના પગલાં તરીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અક્ષયે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ માટે તમારા સૌનો આભાર અને તે અસર કરી રહી છે. મારી તબિયત સારી છે, પરંતુ તકેદારીના ભાગરૂપે ડૉક્ટરની સલાહ મુજબ હું હોસ્પિટલમાં દાખલ થયો છું. હું જલદી જ ઘરે આવી જઈશ. ધ્યાન રાખજો.
અક્ષયકુમારની ફિલ્મ રામસેતુના સાથે જોડાયેલા 45 જુનિયર આર્ટિસ્ટ કોરોનાથી સંક્રમિત થયા હતા. મુંબઇના મડ આઇલેન્ડમાં 5 એપ્રિલે 100 લોકોની એક ટીમ ફિલ્મ રામ સેતુના સેટ પર પહોંચવાની હતી, પરંતુ અક્ષય કુમાર અને ફિલ્મના પ્રોડ્યુસર વિક્રમ મલ્હોત્રાએ તમામના કોવિડ ટેસ્ટ કરાવી લેવાનો નિર્ણય લીધો હતો. 100માંથી 45 જુનિયર આર્ટિસ્ટ કોરોનાથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું.