ગુજરાતમાં કોરોનાના કેસોમાં જંગી વધારાને પગલે રાજ્ય સરકારે રાજ્યભરમાં તમામ સ્કૂલો પાંચ એપ્રિલ 2021થી વધુ આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. શનિવારે મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોર કમિટીના આ નિર્ણય મુજબ રાજ્યમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં સોમવાર, તારીખ પાંચ એપ્રિલથી તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં 1થી9 ધોરણનું શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે. કોર કમિટીએ લીધેલા નિર્ણયનો રાજ્યમાં તમામ સરકારી અને ખાની શાળાઓએ અમલ કરવાનો રહેશે.
સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અત્યંત ગંભીર બની ચુકી છે. માત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાં સંક્રમણના નવા કેસ વધી રહ્યા છે. આવી ગંભીર સ્થિતિમાં રાજ્યના વિદ્યાર્થીઓ હિત અને આરોગ્યને ધ્યાનમાં રાખીને અને કોરોનાના પ્રકોપ પર અંકુશ મેળવવા આ નિર્ણય લેવાયો છે. ગુજરાત સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાં બાળકોમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. જેને લીધે શાળાકાર્ય બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.
સરકારે રવિવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2815 કેસો નોંધાયા હતા અને 13 વ્યક્તિના મોત થયા હતા. 2063 દર્દીઓ સાજા થયા હતા. કોરોના વાયરસના કારણે વધુ 13 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4,552 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 4,88,568 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.