સત્તાવાર આંકડાઓના નવા ટીયુસી વિશ્લેષણ મુજબ BAME યુવાનોનો બેરોજગારીનો દર કોવિડ-19 રોગચાળા દરમિયાન યુવાન શ્વેત કામદારો કરતા બમણો થયો છે. યુનિયનોએ સરકારને સારી નવી નોકરીઓ બનાવવા, કિકસ્ટાર્ટ યોજનાને વિસ્તૃત કરવા અને યુનિવર્સલ ક્રેડીટ વધારવા હાકલ કરી છે.
ટીયુસીની યુવા કાર્યકરોની પરિષદમાં ઓએનએસના આંકડાઓનું વિશ્લેષણ પ્રકાશિત થયું છે. જેમાં જણાવાયું હતું કે 16-24 વર્ષની વયના યુવાન BME લોકોનો બેરોજગારી દર 2019 અને 2020ના અંતિમ ક્વાર્ટરની વચ્ચે 18.2%થી વધીને 27.3% સુધી વધી ગયો છે. આ સમયગાળા દરમિયાન દરમાં 50%નો વધારો નોઁધાયો હતો જે 9 પોઇન્ટ્સનો છે. જ્યારે તે જ સમયગાળામાં યુવાન શ્વેત કામદારો માટે બેરોજગારીનો દર 10.1%થી વધીને 12.4% થયો હતો. કહેવાય છે કે BME યુવાનો અભ્યાસ કરવાને બદલે કામ કરવાનું પસંદ કરે છે.
2019ની તુલનામાં 2020ના સમર દરમિયાન વધુ યુવા કામદારોને રીડન્ડન્ટ કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2020 અને ફેબ્રુઆરી 2021ની વચ્ચે 25 વર્ષથી ઓછી વયના પે-રોલ પરના કર્મચારીઓની સંખ્યામાં 437,000નો ઘટાડો થયો હતો. રોગચાળામાં ગુમાવેલ લગભગ 700,000 પે રોલ નોકરીઓમાં તેનો હિસ્સો 63% જેટલો છે.
પરંતુ યુનિયન બોડી ચિંતિત છે કે યુવા BME લોકો પર અપ્રમાણસર અસર લેબર માર્કેટમાં જાતિવાદના વધુ પુરાવા છે. આગામી બે વર્ષમાં ગ્રીન ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને જાહેર ક્ષેત્રની ખાલી જગ્યાઓ ખોલીને 1.8 મિલિયન નવી રોજગાર બનાવી શકીએ છીએ. કિકસ્ટાર્ટ યોજનામાં સુધારો અને વિસ્તૃત કરવા તથા નોકરી ગુમાવનારા લોકોને વધુ આર્થિક સહાય કરવા જણાવાયું છે.
ટીયુસીના જનરલ સેક્રેટરી ફ્રાન્સિસ ઓ’ગ્રેડીએ કહ્યું હતું કે “મંત્રીઓએ વિલંબ બંધ કરવો પડશે અને જાતિવાદ અને અસમાનતાને પડકારવી પડશે.”
ટીયુસી યંગ વર્કર્સ ફોરમના અધ્યક્ષ એલેક્સ ગ્રેહમે કહ્યું હતું કે “યુવાન કામદારોએ રોગચાળાની અસરનો પ્રથમ અનુભવ કર્યો છે. ઘણા લોકોએ નોકરી ગુમાવી દીધી છે અને બીજાઓને ચિંતા છે કે સરકારની મદદ લીધા વગર તેઓ પણ કામની બહાર નીકળી જશે.’’