પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે સ્થાનિક સ્તર પર થઈ રહેલા વિરોધ સામે ઝૂકી જઈ ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત કરવાના નિર્ણયને ગુરુવારે માત્ર એક દિવસમાં પલટી નાખ્યો હતો. ઈમરાન ખાનની કેબિનેટે ભારત પાસેથી કપાસ અને ખાંડ આયાત કરવાના કેબિનેટની આર્થિક સમન્વય સમિતિના નિર્ણયને ફગાવી દીધો છે.
ભારતમાંથી કપાસની આયાતને છૂટ આપવાનો કાપડ ઉદ્યોગ માંગ કરી રહ્યો છે, પરંતુ કટ્ટરપંથી સંગઠનોને એ વાતને લઈને ઈમરાન સરકારની ટીકા કરી રહ્યાં હતાં કે, તે કાશ્મીરમાં પરિવર્તન વિના જ ભારત સામે ઝૂકી ગઈ છે.
કેબિનેટની બેઠક બાદ પાકિસ્તાનના ગૃહપ્રધાન શૈખ રશીદ અહેમદે ઇસ્લામાબાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભારતમાંથી આયાતની મંજૂરી આપવાની દરખાસ્તને કાશ્મીરમાં 370ની કલમ ફરી લાગુ કરવામાં ન આવે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા કલમ 370ને દૂર કર્યા બાદ તેના વિરોધમાં પાકિસ્તાનને ભારત સાથેના વેપાર સંબંધો તોડી નાંખ્યા હતા.
અગાઉ પાકિસ્તાનની કેબિનેટની આર્થિક સમન્વય સમિતિએ બુધવારે ભારત સાથે વેપારને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી હતી. સમિતિએ કહ્યું હતું કે, પાકિસ્તાન 30 જૂન 2021થી ભારતમાંથી કપાસ આયાત કરશે. પાકિસ્તાન સરકારે ખાનગી ક્ષેત્રને ભારત પાસેથી ખાંડની આયાતને પણ મંજૂરી આપી દીધી હતી.
પાકિસ્તાને વર્ષ 2016માં ભારતમાંથી કોટન અને અન્ય કૃષિ ઉત્પાદનોને આયાત પર રોક લગાવી દીધી હતી. સૂત્રો મુજબ, પાકિસ્તાનમાં ખાંડની વધતી કિંમતો અને સંકટોનો સામનો કરી રહેલા કાપડ ઉદ્યોગને બચાવવા માટે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે ભારત સાથે વેપારની ફરીથી શરૂઆત કરવાની મંજૂરી આપી હતી.