અમદાવાદ ખાતેની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલ ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) ખાતે સોમવારે વધુ 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કેમ્પસમાં કુલ કેસનો આંકડો 70 પર પહોંચી ગયો હતો. કેમ્પસમાં સતત વધતા કોરોના સંક્રમણને કારણે IIM-A હવે કોરોનાની હોટસ્પોટ બની હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યના જણાવ્યા અનુસાર અમદાવાદ IIMમાં કોરોનાના કુલ કેસનો આંકડો 70 પર પહોંચ્યો છે. અહીં છેલ્લા 15 દિવસમાં 70 લોકો કોરોનાની ઝપેટમાં આવતા સારવાર હેઠળ છે.
IIMAએ જારી કરેલી માહિતી મુજબ IIMAમાં 28 માર્ચે 100થી વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 10નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હોળી-ધૂળેટીના દિવસે IIMમાં 116થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ અત્યાર સુધી 70 જેટલા લોકો વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.