મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ બનતા રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે સ્ટેટ ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી હતી અને અંતિમ પગલા તરીકે લોકડાઉનની વ્યૂહરચના તાકીદે તૈયાર કરવા મુખ્ય સચિવ સીતારામ કુંતેને આદેશ આપ્યો હતો. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના વાઇરસના નવા 40,414 કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.
આ બેઠકમાં ઠાકરેએ જણાવ્યું હતું કે મહામારીમાં સરકાર અર્થતંત્રને ધબકતું રાખવા માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ કેટલાંક પરિબળોની ગંભીરતાથી વિચારણા કરવામાં આવી નથી. આ બેઠકમાં જાહેર આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે અને ચીફ સેક્રેટરી હાજર હતા.
બેઠકમાં થયેલી ચર્ચા અંગે જણાવવામાં આવ્યું હતું કે, “અંતમાં, લોકોનું સ્વાસ્થ્ય આપણી સૌથી પહેલી જવાબદારી છે. આવામાં મુખ્ય સચિવ એવો પ્લાન બનાવે કે જેમાં લોકડાઉન દરમિયાન પણ જરુરી વસ્તુઓ લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય, જેમાં અનાજ અને દવાઓ, અને સ્વાસ્થ્ય સેવાઓમાં કોઈ અડચણ ઉભી ના થાય. જો નાગરિકોએ (કોરોનાના) નિયમોનું પાલન ના કરે તો પછી આપણે આ પગલું ભરવું પડશે.”
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 6,933 નવા કેસ નોંધાયા હતા. છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોવિડ ડાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ જણાવ્યું હતું કે,”લોકડાઉન સૌથી અંતમાં જરુર પડ્યે લેવાય તેવો નિર્ણય છે, પરંતુ જે રીતે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કથળી રહ્યું છે તે જોતા (લોકડાઉન પર) વિચાર કરવો જરુરી છે. હવે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ખાટલા ઉપલબ્ધ નથી, જે છે તે ઝડપથી ભરાઈ રહ્યા છે.”