કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં રવિવારે હોળીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થઈ હતી. લોકોએ હોલિકા દહન દરમિયાન ઠેર-ઠેર કોરોનાના નાશ માટે પ્રાર્થના કરી હતી. ગુજરાતમાં કોરોના ગાઇડલાઇન મુજબ સોસાયટી તેમજ શેરીઓમાં હોળીના તહેવારની પરંપરાગત ઉજવણીમાં કરવામાં આવી હતી અને નાગરિકો દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. હોલિકા દહન દરમ્યાન ભીડ એકઠી ન થાય અને કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય તેવી તકેદારી લેવા સરકારે હોળીના આયોજકોને સૂચના આપી હતી.
વધતાં કોવિડ કેસોને ધ્યાનમાં લઈને હોળી ધૂળેટી પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ભીડ એકઠી થતી અટકાવવા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. ડાકોરના ભગવાન રાજા રણછોડની બંધ બારણે ફાગણી પૂનમની આરતી કરાઈ હતી.
અમદાવાદમાં હોલિકા દહન દરમિયાન લોકો માસ્ક પહેરેલા જોવા મળતા કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન થતું જોવા મળ્યું હતું. અમદાવાદમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 સુધીનો કર્ફ્યુ ચાલુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ધૂળેટીની ઉજવણીને લઇને ખાસ આદેશ જાહેર કર્યા હતા. હોળી-ધુળેટી એમ બે દિવસની ગાઇડલાઇન હેઠળ શહેરના તમામ ક્લબો, સ્વિમીંગ પુલો, પાર્ટી પ્લોટો એવા તમામ સ્થળોને બંધ રાખવાના રાખવામાં આવ્યા હતા. શહેરના મંદિરોમાં પણ હોળી નિમિત્તે રંગ લગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશ આપ્યો હતો કે શહેરીજનો હોળી પ્રતિબંધોને માનશે નહીં તો તેઓની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. સોસાયટી, પોળ જેવા વિસ્તારોમાં લોકોના ટોળા ભેગા થશે સંબંધિત સોસાયટી, પોળ, વિસ્તારનું પાણી કનેક્શન કાપી નાંખવામાં આવશે.