NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI3_25_2021_001010001)

ભારતમાં કોરોના વાઇરસના પ્રકોપમાં વધારો થઈ છે અને નવા કેસનો આંકડો 50 હજારને પાર કરી ગયો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 53,476 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને સતત ત્રીજા દિવસે 200થી વધુ લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1,17,87,534 થઈ હતી. દેશમાં મૃત્યુઆંક વધીને 1,60,692 થયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 15માં દિવસે વધીને 3,95,192 થઈ હતી, જે કુલ કેસના આશરે 3.35 ટકા છે. રિકવરી રેટ વધુ ઘટીને 95.28 ટકા થયો હતો. દેશમાં કોરોના કેસમાં દૈનિક વધારો 153 દિવસમાં સૌથી વધુ છે. કોરોના મહામારી બાદ અત્યાર સુધી ભારતમાં 1,12,31,650 લોકો રિકવર થયા છે. કોરોનાનો મૃત્યુદર 1.36 ટકા રહ્યો હતો.

છ રાજ્યોમાં 80.63 ટકા કેસ

મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તીસગઠ અને ગુજરાતમાં દૈનિક કેસોમાં ઉછાળો આવ્યો હતો. આ રાજ્યોમાં દેશના કુલ કેસમાંથી 80.63 ટકા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં દેશના કુલ એક્ટિવ કેસમાંથી 74.32 ટકા કેસ હતા.

મહારાષ્ટ્રમાં 31,855 નવા કેસ (59.57 ટકા) કેસ નોંધાયા હતા. આ ઉપરાંત પંજાબમાં 2,613 અને કેરળમાં 2,456 કેસ નોંધાયા હતા. હાલમાં દિલ્હી, તમિલનાડુ, છત્તીસગઢ, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે.

મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ સહિતના ત્રણ રાજ્યોમાં દેશના કુલ એક્ટિવ કેસમાંથી 74.32 ટકા કેસ છે. દેશના કુલ એક્ટિવ કેસમાં મહારાષ્ટ્રનો હિસ્સો 62.91 ટકા જેટલો ઊંચો છે. દેશમાં 251 મોતમાંથી છ રાજ્યોમાં 78.49 ટકા લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં 95 અને પંજાબમાં 39 લોકોના મોત થયા હતા. ભારતમાં અત્યાર સુધી આશરે 5.31 કરોડ વેક્સીન ડોઝ આપવામાં આવ્યા છે.