અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડેને વૈશ્વિક વંશીય દ્વેષભાવ નાબૂદી દિને અત્યંત આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં પણ રેસિઝમ, વિદેશીઓ પ્રત્યે અણગમા અને રાષ્ટ્રવાદની ભાવના પ્રવર્તી રહી છે, દેશ સામેના એ પડકારો છે.
દ્વેષભાવ નાબૂદી માટે કાયદા બદલવાની પ્રતિબદ્ધતા સાથે બાઇડેને કબૂલ્યું હતું કે, વંશવાદની વાસ્તવિકતા અમેરિકામાં હંમેશથી ચાલી આવતી રહી છે અને હાલમાં પણ એ છે. ધિક્કારને અમેરિકામાં કે વિશ્વમાં અન્ય ક્યાંય પણ સલામત આશરો ના હોઇ શકે. આપણે સૌએ સાથે મળીને તેનો અંત લાવવો જ રહ્યો.
એટલાન્ટામાં એશિયન – અમેરિકનો ઉપર આડેધડ ગોળીબારની ઘટનાથી જન્મેલા વ્યાપક વિરોધના વાતાવરણમાં પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, તેમનું વહીવટીતંત્ર વિશ્વભરમાં ક્યાંય પણ પ્રવર્તતા વંશીય દ્વેષભાવ સામે અવાજ ઉઠાવશે.
1960માં સાઉથ આફ્રિકામાં થયેલા નરસંહારની સ્મૃતિમાં સંયુક્ત રાષ્ટ્રો દ્વારા મનાવાઈ રહેલા આ દિવસે બાઈડેને અમેરિકામાં પ્રવર્તી રહેલા પદ્ધતિસરના, સંસ્થાકિય રેસિઝમ તથા વ્હાઈટ સુપ્રીમસી (ગોરાઓની શ્રેષ્ઠતાની લાગણી) ની ઝેરી મનોવૃત્તિ સામે નિશાન સાધતાં પ્રેસિડેન્ટે રવિવારે આ નિવેદન આપ્યું હતું.
શુક્રવારે વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે આટલાન્ટામાં પણ એશિયન અમેરિકન્સ સામેના ભેદભાવપૂર્ણ વ્યવહારના ઈતિહાસની વિગતવાર વાત કરતાં આવી જ લાગણી વ્યક્ત કરી હતી અને રવિવારે બાઈડેને તેનો પડઘો પાડ્યો હતો.
અમેરિકાના પ્રથમ એશિયન-અમેરિકન, પ્રથમ બ્લેક તથા પ્રથમ મહિલા વાઈસ પ્રેસિડેન્ટે કહ્યું હતું કે, અમેરિકામાં વાસ્તવમાં રેસિઝમ પ્રવર્તે છે, વિદેશીઓ પ્રત્યેનો અણગમો કે દ્વેષભાવ અને સેક્સિઝમ પણ પ્રવર્તે છે.
બાઈડેને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આપણને સૌને અમેરિકન્સ તરીકે એકસૂત્રમાં બાંધી રાખતા હાર્દરૂપ મૂલ્યો, માન્યતાઓમાં હેઈટ (દ્વેષભાવ) અને રેસિઝમ (વંશવાદ)ના મુકાબલાનો સમાવેશ થવો જોઈએ. આપણે આ ભેદભાવ સંભવ બનાવતા કાયદા પણ બદલવા જોઈએ અને આપણા હૃદયની ભાવના, લાગણીઓ પણ બદલવી જોઈએ.