ભારતમાં રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને વેક્સીન લગાવવવાની મંગળવારે મંજૂરી આપવામાં આવી હતી. ભારત સરકારના નિર્ણય મુજબ હવેથી વેક્સીન લેનાર વ્યક્તિએ અન્ય બીમારીના સર્ટિફિકેટ આપવાની જરુર રહેશે નહીં. સરકારે કોરોના રસી માટે બીમારીના સર્ટિફિકેટની શરતને હટાવી લીધી છે.
કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, રસી લેવા માટે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ડોક્ટરનું સર્ટિફિકેટ લાવવાની જરુર રહેશે નહીં. 45 વર્ષથી ઉપર ઉંમર છે તો રસી મળી જશે. તેમણે અનુરોધ કર્યો હતો કોરોના વેક્સીન માટે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો તાત્કાલિક ધોરણે રજિસ્ટર કરાવી વેક્સીન ડોઝ મેળવી લેવાની પ્રક્રિયામાં સામેલ થાય.
કોરોનાની અન્ય રસીઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે દેશમાં કેટલીક કોરોના વેક્સીન પરીક્ષણ ચાલે છે અને ટૂંક સમયમાં તેમને મંજૂરી મળી શકે છે.
ભારતમાં દેશવ્યાપી રસીકરણના બીજા તબક્કામાં 60થી વધુ ઉંમરના લોકોને આવરી લેવાની સાથે સાથે 45થી વધુ ઉંમર ધરાવતા અન્ય બીમારીઓથી પીડિત લોકોનું વેક્સીનેશન પણ કરવામાં આવી રહ્યું છે.
રસીકરણ અભિયાનની માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 4 કરોડથી વધુ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે 80 લાખથી વધુ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લાં 24 કલાકમાં દેશભરમાં 32 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.