ભારતમાં મંગળવારે સતત ચોથા દિવસે કોરોનાના નવા કેસની સંખ્યા 40,000થી વધુ રહી હતી અને દૈનિક મૃત્યુઆંક 200ની નજીક પહોંચી ગયો હતો. ભારતમાં નવા કેસની સંખ્યામાં સતત વધારો થવાના કારણે એક્ટિવ કેસની સંખ્યા સતત 13માં દિવસે વધીને સાડા ત્રણ લાખની પાસે પહોંચી ગઈ હતી. દેશના કુલ નવા કેસમાંથી આશરે 80.5 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાં નોંધાયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટકા, ગુજરાત અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવાર સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં 40,715 નવા કેસ નોંધાયા હતા. આની સામે 29,785 દર્દીઓ સાજા થયા હતા અને વધુ 199 લોકોના મોત થયા હતા.
ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને 1,16,86,796 પર પહોંચી ગયો હતો. દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,11,81,253 થઈ ગઈ હતી. આ સાથે કોરોનાના કારણે મૃત્યું પામેલા લોકોની સંખ્યા 1.60 લાખને પાર કરીને 1,60,166 થઈ હતી.
છેલ્લાં એક મહિનામાં સતત ભારતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા સામે નવા કેસની સંખ્યા વધુ રહી છે. તેથી એક્ટિવ કેસનો આંકડો ઊંચો જઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા કુલ કેસના 2.96 ટકા રહી હતી. રિકવરી રેટ વધુ ઘટીને 95.67 ટકા થયો હતો.
રસીકરણના 66 દિવસના અંતે 4.72 કરોડ કરતા વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં સોમવારે સાંજે 7 વાગ્યા સુધીમાં એક દિવસમાં 19.65 લાખ લોકોને રસી આપવામાં આવી હતી.