ભારતના આરોગ્ય મંત્રાલયે એસ્ટ્રેઝેનેકાની કોરોના વેક્સિનનો બીજો ડોઝ હાલના ચારથી છ સપ્તાહની જગ્યાએ છથી આઠ સપ્તાહમાં આપવા માટે રાજ્યોને સોમવારે સૂચના આપી હતી. ભારતમાં એસ્ટ્રેઝેનેકાની વેક્સીનનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટીટ્યૂટ કરે છે અને તેનું બ્રાન્ડનેમ કોવિશીલ્ડ છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે વેક્સીનના વધુ સારા રિઝલ્ટ માટે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને 28 દિવસથી વધારીને છથી આઠ સપ્તાહ કરવો જોઇએ. ભારતમાં કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલુ થયો છે ત્યારે આ સૂચના આપવામાં આવી છે. આ નવો નિયમ માત્ર કોવિશીલ્ડને લાગુ પડે છે. ભારત બાયોટેકની કોવેક્સીનને લાગુ પડતો નથી.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણય રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI) અને વેક્સિનેશન નિષ્ણાત જૂથ દ્વારા હાલના રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે જો વેક્સીનનો બીજો ડોઝ 6થી 8 સપ્તાહની વચ્ચે આપવામાં આવે તો એ વધુ અસરકારક સાબિત થશે.