ભોપાલમાં 21 માર્ચ 2021ના રોજ લોકડાઉન દરમિયાન પોલીસે લોકોને બહાર જતાં અટકાવ્યા હતા. (PTI Photo)

કોરોનાના કેસોમાં વધારાને પગલે મધ્યપ્રદેશના ભોપાલ, ઇન્દોર અને જબલપુરમાં સરકારે વધુ આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી દર રવિવારે લોકડાઉનની 19 માર્ચે જાહેરાત કરી હતી. 21 માર્ચે લોકડાઉનનો પ્રથમ રવિવાર હતો અને તેનાથી ત્રણેય શહેરોનું જનજીવન સ્થંભી ગયું હતું અને રસ્તા સુમસામ બન્યાં હતા.

સરકારના આદેશ મુજબ દર શનિવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી લોકડાઉનનો અમલ થશે. ભોપાલ અને ઇન્દોર જિલ્લામાં બુધવારથી રાત્રે 10થી 6 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ લાદવામાં આવેલો છે.
ભોપાલમાં આશરે 196 દિવસ પછી ફરીથી લોકડાઉન થયું હતું. જોકે પ્રથમ વખત પેટ્રોલ પંપ, ગ્રોસરી શોપ, મિલ્ક બૂથ અને વેજિટેબલ માર્કેટ્સ બંધ રાખવામાં આવ્યા હતા. ગયા વર્ષના લોકડાઉનમાં આ આવશ્યક સેવાઓ ચાલુ રહી હતી.

ભોપાલમાં શનિવારે કોરોનાના 345 નવા કેસ નોંધાયા હતા, જેનાથી કુલ સંખ્યા વધીને 46,728 થઈ હતી. ઇન્દોરમાં શનિવારે 317 નવા કેસ સાથે કુલ સંખ્યા વધીને 63,827 થઈ હતી. જબલપુરમાં 116 નવા કેસ સાથે કુલ સંખ્યા વધીને 17,464 થઈ હતી. મધ્યપ્રદેશમાં શનિવારે કોરોનાના 1,308 કેસ નોંધાયા હતા અને કુલ આંક વધીને 2,74,405 થયો હતો. શનિવારે બે લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,903 થયો હતો.
ૃૃૃૃૃૃૉ