અમેરિકામાં કોઈ ડોક્યુમેન્ટ્સ વિના વર્ષોથી વસવાટ કરતા ઈમિગ્રન્ટ લોકોને, કેટલાક માઈગ્રન્ટ ખેત મજૂરોને તેમજ એચ1-બી જેવા વિવિધ વીઝા હેઠળ અમેરિકામાં આવી કામ કરતાં માતા-પિતાના અહીં જન્મેલા બાળકોને સીટીઝનશિપ આપવાની જોગવાઈ કરતા બે મહત્ત્વના ખરડાને અમેરિકી સંસદના નીચલા – પ્રતિનિધિ ગૃહ (હાઉસ ઓફ રેપ્રેઝન્ટેટિવ્સ) એ બહાલી આપી હતી.
અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ, 2021ને નીચલા ગૃહે ગુરૂવારે (18 માર્ચ) 228-197 મતે બહાલી આપી હતી. પ્રેસિડેન્ટ જો બાઈડેને આ બહાલીને આવકારતાં કહ્યું હતું કે, દેશની ઈમિગ્રેશન સીસ્ટમમાં સુધારાની દિશામાં આ પહેલું પગલું છે.
ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (ટીપીએસ) ધારકો તેમજ ડ્રીમર્સ – બાળકો તરીકે અહીં આવેલા અને આજે યુવાન બની ચૂકેલા એવા લોકોને તે અતિ આવશ્યક રાહત આપશે, કારણ કે આ લોકોએ તો અમેરિકા સિવાય કદાચ બીજો કોઈ દેશ જોયો જ નથી. હું પોતે આ ખરડાને સમર્થન આપું છું અને આ અતિ મહત્ત્વના કાયદાને બહાલી આપવા બદલ પ્રતિનિઘિ ગૃહની સરાહના કરૂં છું.
અમેરિકામાં લગભગ 11 મિલિયન (1.10 કરોડ) અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ છે, તેમાંથી પાંચ લાખથી વધુ તો ભારતીયો હોવાનું બાઈડેનના ચૂંટણી પ્રચાર તંત્રે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું.
આ બિલ હવે સેનેટમાં (ઉપલા ગૃહ) જશે અને ત્યાંથી બહાલી મળ્યા પછી પ્રેસિડેન્ટ બાઈડેન તેના ઉપર હસ્તાક્ષર કરે ત્યારે તે કાયદો બનશે.
કોંગ્રેના સઈન્ડિયન અમેરિકન સભ્ય અમિ બેરાએ જણાવ્યું હતું કે, આમાંના મોટા ભાગના લોકોએ તેમના જીવનનો મોટા ભાગનો હિસ્સો અમેરિકામાં જ વિતાવ્યો છે, જેમાં તેમનું કાનૂની સ્ટેટસ વર્ક ઓથોરાઈઝેશન તથા ડીપોર્ટેશન સામે રક્ષણ આપતું ટેમ્પરરી પ્રોટેક્શન હોય છે. આ કાયદાની જોગવાઈઓ મુજબ લોકોને જે રીતે અમેરિકાની સીટીઝનશિપ આપવાની છે, તે પ્રક્રિયા – પદ્ધતિને અમેરિકાના લગભગ 75 ટકા લોકો સમર્થન આપે છે.
પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું હતું કે, અહીં આવતા પુખ્ત વયના લોકો – માતાપિતા પોતાની સાથે પોતાના બાળકો, પોતાની આશાઓ તેમજ પોતાના સપના પણ લાવે છે, જેમાં પોતાના બાળકો માટે સારા ભવિષ્યની આશાનો પણ સમાવેશ થતો હોય છે. એ હિંમત, દ્રઢનિર્ધાર અને આશાઓ જ અમેરિકન લક્ષણો છે અને તેના થકી જ અમેરિકાનું અમેરિકનપણું વધુ સમૃદ્ધ બને છે.