ભારતના શુક્રવારે કોરોના વાઇરસના નવા 39,726 કેસ નોંધાયા હતા, જે ચાલુ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોનાથી 154 લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1,15,14,331 થઈ ગઈ હતી. ચુક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 25,833 નવા કેસ નોંધાયા હતા, જે દેશમાં નોંધાયેલા કુલ કેસના આશરે 65 ટકા થાય છે.
કોરોનાના દૈનિક કેસોમાં આ વધારો છેલ્લાં 110 દિવસમાં સૌથી વધુ છે. એક દિવસમાં 154 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,59,370 થયો હતો.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત નવમાં દિવસે વધીને 2,71,282 થઈ હતી, જે કુલ કેસના આશરે 2.36 ટકા છે. એક્ટિવ કેસમાં વધારાને પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 96.26 ટકા થઈ હતી. કોરોનામાંથી અત્યાર સુધી 1,10,83,679 લોકો રિકવર થયા છે. કોરોનાનો મૃત્યુદર 1.38 ટકા રહ્યો હતો.
દેશમાં એક દિવસમાં કુલ 154 વ્યક્તિના મોતમાંથી મહારાષ્ટ્રમાં 58, પંજાબમાં 32 અને કેરળમાં 15 વ્યક્તિના મોત થયા હતા.
કોરોનાના વધી રહેલા કેસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધુ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 25,833 કેસ નોંધાયા હતા અને તે સપ્ટેમ્બર બાદનો સૌથી મોટો આંકડો છે. કોરોના વાયરસે ગુજરાતમાં પણ ફરી પગપેસારો કર્યો છે. રાજ્યમાં ગુરુવારે 1,276 નવા કેસ સામે આવ્યા હતા અને અમદાવાદ, સુરતમાં નાઈટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બંને શહેરોમાં રાતના 9થી સવારના 6 સુધી માર્કેટ, મોલ વગેરે પણ બંધ રહેશે.