ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે લોકડાઉનની અટકળો વ્યક્ત થઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગુરુવાર, 18 માર્ચે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે રાજ્યમાં લોકડાઉન નહીં આવે. જોકે સ્કૂલ અને કોલેજો ચાલુ રાખવી કે નહીં તે અંગે ગુરુવારની બેઠકમાં નિર્ણય લેવાશે. હોળીની ઉજવણી અંગે પણ સરકાર ઝડપથી નિર્ણય લેશે. ભૂતકાળમાં આપણે આ સ્થિતિનો સામનો કરી ચૂક્યા છીએ અને તે વખતે પણ લોકડાઉન નહોતું કરવામાં આવ્યું, જેથી હાલ લોકડાઉનનો ભય રાખવાની જરુર નથી.
કોરોનાના કેસોમાં વધારા માટે લોકોને જવાબદાર ગણાવતા રૂપાણીએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ કેસોમાં મોટો ઘટાડો થતાં લોકો એક પ્રકારે બેપરવા થઈ ગયા હતા અને કોરોનાને હળવાશથી લેવા લાગ્યા હતા. જેના કારણે નિયમોનું કડકાઈથી પાલન નહોતું થયું. જેના કારણે એક સમયે રાજ્યમાં રોજના કેસો 300થી નીચે જતાં રહ્યાં હતાં તે હવે 1,150ની આસપાસ આવી ગયા છે.
કોરોના સામેની સરકારની તૈયારી અંગે રુપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં જેટલા કેસ છે તેના કરતા 5 ગણા બેડ તૈયાર છે. હાલ 5 હજાર બેડ તૈયાર છે. રાજ્ય સરકારે ફરી કોરોના હોસ્પિટલોને કાર્યરત કરવાની તૈયારી કરી છે. આ ઉપરાંત, કોરોનાનો જેને ચેપ લાગ્યો છે તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધવાની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોરોનાની સારવાર માટે અગાઉ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં અગાઉ જે વ્યવસ્થા હતી તે જ ફરી ઉભી કરાઈ રહી છે. કેસના વધારાના પ્રમાણમાં છ ગણા બેડની વ્યવસ્થા કરી દેવાઈ છે, જેથી બેડની અછત ના સર્જાય.
ચાર મહાનગરોમાં નાઈટ કરફ્યુનું ચૂસ્ત પાલન કરવાની તાકીદ કરતાં રુપાણીએ જણાવ્યું હતું કે માસ્કના નિયમ પણ કડકાઈથી અમલી કરાવવામાં આવશે અને કોઈપણ જગ્યાએ ભીડ ભેગી ના થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
રાજ્યના અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં હાલમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. અમદાવાદમાં એેએમટીએસ અને બીઆરટીએસની બસો 18 માર્ચથી બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના ચાર મહાનગરોમાં નાઈટ કરફ્યુનો સમય પણ વધારીને રાત્રે 10થી સવારે છનો કરી દેવામાં આવ્યો છે. સુરતમાં રાજ્ય બહારથી આવતા લોકો માટે 1 સપ્તાહ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે, અને ટ્યૂશન ક્લાસ પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે.