ભારતમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા 35,871 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 102 દિવસમાં સૌથી વધુ છે. કોરોનાથી નવા 172 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,59,216 થયો હતો. ભારતમાં સતત આઠમાં દિવસે કોરોનાના એક્ટિવ કેસોમાં વધારો થયો હતો. મહારાષ્ટ્રની સ્થિતિ ગંભીર બની છે, કારણ કે દેશના કુલ કેસમાંથી 60% મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૨૩૭૧૯ નવા કેસ નોંધાયા હતા.
આરોગ્ય મંત્રાલયના ગુરુવાર સવાર આઠ વાગ્યાના ડેટા અનુસાર ગુરુવારે નવા 35,871 કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 1,14,74,605 થઈ હતી. એક્ટિવ કેસની સંખ્યા સતત આઠમાં દિવસે વધીને 2,52,364 થઈ હતી, જે કુલ કેસના 2.20 ચકા છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 96.41 ટકા થયો હતો.
મહારાષ્ટ્રમાં 84, પંજાબમાં 35 અને કેરળમાં 13 વ્યક્તિના કોરોનાથી મોત થયા હતા.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૨૩૭૧૯ કેસ નોંધાયા હતા અને ૯૧૩૮ દરદીને ડિસ્ચાર્જ કરાયા હતા. આજ દિન સુધી રાજ્યમાં કોરોનાના ૧,૫૨,૭૬૦ એક્ટિવ કેસ નોંધાયા છે. આથી સરકાર કોરોનાને નિયંત્રણ લાવવા માટે અવઢવમાં મૂકાઈ છે. હાલમાં દેશના કુલ એક્ટિવ કેસમાંથી ૬૦ ટકા અને નવા મૃત્યુમાંથી ૪૫ ટકા મહારાષ્ટ્રમાં છે, એવું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના નાગપુરમાં 24 કલાકમાં 2,698 નવા કેસ નોંધાયા હતા, જે રોજના કેસ ચાર રાજ્યના આંકડા કરતા વધુ છે. પંજાબ (2,039), ગુજરાત (1,122), કેરળ (2,098), કર્ણાટકા (1,275)માં નાગપુર કરતા ઓછા કેસ નોંધાયા છે. નાગપુરમાં પહેલી વખત મુંબઈ કરતા પણ વધારે કેસ એક દિવસમાં નોંધાયા છે, મુંબઈનો એક દિવસના કેસનો રેકોર્ડ 2,377 છે. મહારાષ્ટ્ર સિવાય 17 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બુધવારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ પાછલા 24 કલાકમાં તૂટ્યો છે.