ભારતમાં રવિવારે કોરોનાના વાઇરસના નવા 25,320 કેસ નોંધાયા હતા, જે 84 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે. રવિવારે 161 લોકોના મોત થયા હતા. અગાઉ 20 ડિસેમ્બર 2020માં 26,624 નવા કેસ નોંધાયા હતા, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રાલયના રવિવારના ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 161 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,58,607 થયો હતો. છેલ્લાં 44 દિવસમાં દૈનિક મોતનો આ આંકડો સૌથી મોટો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2,10,544 થઈ હતી, જે કુલ કેસના આશરે 1.85 ટકા હતી.
દેશના મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કુલ કેસોમાંથી 87.73 ટકા કેસો આ રાજ્યોમાં હતા. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 15,602 નવા કેસ નોંધાયા હતા, જ્યારે કેરળમાં 2,035 અને પંજાબમાં 1,510 કેસ નોંધાયા હતા.
દેશમાં રિકવરી રેટ શનિવારે 96.82 ટકા હતો, જે રવિવારે ઘટીને 96.75 ટકા થયો હતો. દેશમાં કોરોનાનો મૃત્યુદર 1.40 ટકા રહ્યો હતો. કુલ 161 નવા મોતમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 88 લોકોના અને પંજાબમાં 22 લોકોના મોત થયા હતા.