વડાપ્રધાન બોરીસ જોન્સને શાહી પરિવારના ઇન્ટરવ્યૂ બાબતે કોઇનો પણ પક્ષ લેવાનો કે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને મહારાણી માટે ‘સર્વોચ્ચ પ્રશંસા’ હોવાનું અને યુકે તથા કોમનવેલ્થ માટે તેમણે ‘એકરૂપ થવાની ભૂમિકા’ ભજવવા બદલ તેમની સરાહના કરી હતી. વડાપ્રધાન અને લેબર પક્ષે મેગનના રેસીઝમના દાવાઓની પેલેસ દ્વારા તપાસની માંગ કરી હતી.
વડા પ્રધાનના પ્રવક્તાએ ભારપૂર્વક કહ્યું કે ‘’તેમણે હેરી અને મેગનનો ઇન્ટરવ્યૂ જોયો નથી.’’ વડા પ્રધાને ઉમેર્યું હતું કે ‘મેં રોયલ ફેમિલીની બાબતો પર ટિપ્પણી ન કરવા માટે ઘણો સમય પસાર કર્યો છે અને આજે પણ હું તેમ કરવા માંગતો નથી. હું લેબર પક્ષ સાથે સંમત છુ અને જાતિવાદના દાવાઓની તપાસ થવી જોઈએ. જાતિવાદ માટે સમાજમાં કોઈ સ્થાન નથી.’’
લેબર નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’ડચેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ગંભીરતાથી લેવા આવશ્યક છે. આ રીતે કુટુંબને ગડબડીમાં જોઇને ખરેખર દુ:ખ થાય છે. જાતિવાદ અને માનસિક સ્વાસ્થ્ય અંગે મેગને ઉભા કરેલા મુદ્દાઓ ખરેખર ગંભીર છે. 21મી સદીના બ્રિટનમાં ઘણા લોકો જાતિવાદનો અનુભવ કરે છે. આપણે તેને ખૂબ જ ગંભીરતાથી લેવું પડશે. તેમની ત્વચાના રંગ કે માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે કોઈ પરત્વે કોઈએ પણ પૂર્વગ્રહ ન કરવો જોઇએ.’’
શેડો એજ્યુકેશન સેક્રેટરી કેટ ગ્રીને જણાવ્યું હતું કે દાવા ‘ખરેખર દુ:ખદાયક, આઘાતજનક’ છે, જાતિવાદના આક્ષેપોની પેલેસ દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેવી અપેક્ષા કરું છું.’