આ અઠવાડિયાની શરૂઆતમાં, ઑલ્ડી સુપરમાર્કેટે તેની ‘મેંગો મસાલા બીફ સ્ટેક્સ ડીશ’ ના પેકીંગ લેબલ પર ‘ટેસ્ટ ઓફ ઇન્ડિયા’ લખેલું હોવાથી યુકેમાં વસતા હિન્દુ ગ્રાહકો તરફથી ફરિયાદો મળ્યા પછી માફી માંગી તે પેકેજીંગ બદલવાની ખાતરી આપી હતી.
ભારતીય હેરિટેજ જૂથ રીચ ઇન્ડિયા યુકેએ આ બાબતે ટ્વિટર પર સુપરમાર્કેટ જાયન્ટનું ધ્યાન દોર્યું હતું. આ જૂથે વાનગીમાં ગૌમાંસ હોવાથી અને પરંપરાગત રીતે હિંદુઓ ગાયને પવિત્ર પ્રાણી તરીકે જોતાં હોવાથી ‘ટેસ્ટ ઓફ ઇન્ડિયા’ સ્ટીકર સામે વાંધો ઉઠાવ્યો હતો અને ટ્વીટર પર ઝૂંબેશ ચલાવી હતી. જેમાં @AldiUk આવું કેમ કરે છે? #AldiCustCare #Aldi માં ખરીદી કરનારા #Indians ને શું કહેવા જઇ રહ્યું છે? કેમ ઑલ્ડી બીફને ભારતીય તરીકે વેચે છે અને #Hindusને દુ:ખ પહોંચાડે છે. અમે #Cowની પૂજા કરીએ છીએ અને તેને પવિત્ર ગણીએ છીએ.
રીચ ઇન્ડિયા યુકેના જણાવ્યા અનુસાર, ઑલ્ડીએ ત્યારબાદ તે લેબલ દૂર કર્યું છે. જો કે કેટલાક ગ્રાહકોએ નિર્દેશ આપ્યો હતો કે બધા હિન્દુઓ નો-બીફના નિયમનું પાલન કરતા નથી. જો કે, હિન્દુઓ લેબલથી નારાજ થયા હોવાથી સુપરમાર્કેટે પોતાની ભૂલને સુધારવાનો નિર્ણય લીધો હતો.