તમામ દેશો અને જાતિઓની સ્ત્રીઓમાં પરિવર્તનની પ્રતિબદ્ધતા સાથે લોર્ડ અને લેડી પોપટના ટેકાથી અગ્રણી ટેક સલાહકાર અને રોકાણકાર, રૂપા પોપટ અને 2018થી, ઓલિવર વાયમેન ખાતેના ભાગીદાર, રૂપાલ સચદેવ કંટારીયા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. સંસદમાં બિન-સંસદસભ્યોને પ્રેરણા અને ઉદ્દેશ સાથે બોલવાનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. 2000થી વધુ સહભાગીઓ ચર્ચા જોવા માટે ઑનલાઇન જોડાયા હતા.
સંસદીય ચર્ચાની જેમ દરેક વક્તાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મહત્વ પર બોલવા માટે 5 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. ચર્ચાનું સંચાલન કાઉન્સિલર અમિત જોગીયાએ કર્યું હતું અને સંસદીય પ્રોટોકોલને અનુસરીને, વક્તાઓને તેમની વાત કહેવાનો મોકો અપાયો હતો.
વક્તાઓમાં આ વર્ષે બેસ્ટ સેલિંગ લેખક જય શેટ્ટી, સંગીતકાર, કલાકાર અને લેખક જાહ્નવી હેરિસન, સીઈઓ અને સ્ટાર્લિંગ બેંકના સ્થાપક એન બોડેન, નેટવેસ્ટ ગ્રુપના ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલિસન રોઝ, અન્યા હિંદમાર્ચ સીબીઇ, બેરોનેસ મિનોક શફિક, હર એક્સેલન્સી યમિના કરિતાન્યી અને અન્ય શામેલ થયા હતા.
મહિલાઓ પર કોવિડ-19 ની અસર વિશે બોલતા રૂપલ સચદેવ કંટારિયાએ આ ચર્ચાની શરૂઆત કરી રસપ્રદ માહિતી આપી હતી. જ્યારે રૂપા પોપટ દ્વારા ચર્ચાની સમાપ્તિ કરવામાં આવી હતી.
ચર્ચા પછી બોલતા લોર્ડ પોપટે કહ્યું હતું કે ‘’વર્ચુઅલ પ્લેટફોર્મથી વિશ્વભરના લોકોને વધુ ભાગ લેવાની મંજૂરી મળી છે. સંસદમાં આવતા વર્ષે થનારી ચર્ચા વધુ પ્રખ્યાત વક્તાઓને આકર્ષિત કરશે.’’