કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે મહારાષ્ટ્રના થાણે શહેરના 11 હોટસ્પોટમાં 13થી 31 માર્ચ દરમિયાન લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મંગળવારથી નાસિક જિલ્લામાં વીકએન્ડ લોકડાઉનની સાથે કેટલાંક નિયંત્રણો જાહેરાત કરવામાં આવી છે.
થાણે મ્યુનિસિપલ કમિશનર વિપુલ શર્માએ સોમવારે આ આદેશ જારી કરતાં જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક દિવસોમાં નવા કેસોમાં વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન જે નિયંત્રણો હતા તે તમામ નિયંત્રણો લાગુ પડશે. સોમવારની સવાર સુધીમાં થાણે જિલ્લામાં કોરોનાના 2,69,845 કેસ નોંધાયા હતા અને 6,302 લોકોના મોત થયા હતા.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સ્થાનિક વહીવટીતંત્રએ નિર્ણય લીધો હતો કે 15 માર્ચથી નાસિક જિલ્લામાં લગ્નના કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે નહીં. જેમને પહેલાંથી જ 15 માર્ચ સુધી પરવાનગી મળી ચૂકી છે, માત્ર તેમને મંજૂરી આપવામાં આવશે. નાસિકમાં 8 દિવસમાં 3 હજારથી વધુ કેસ નોંધાયા હતા.