ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી અટકળો પર પૂર્ણવિરામ મુકતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમવારે જણાવ્યું હતું કે રાજ્યમાં નિર્ધારિત સમયે જ ચૂંટણી યોજાશે. ચૂંટણી વહેલી યોજવાની વાતમાં કોઇ તથ્ય નથી. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થશે તો ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે તેવી રાજ્યના વનપ્રધાન રમણ પાટકરના નિવેદનને પગલે વહેલી ચૂંટણીને અટકળોને વેગ મળ્યો હતો.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી મુદત 2022માં પૂરી થાય છે. પાટકરે વલસાડમાં એક કાર્યક્રમમાં એવો દાવો કર્યો હતો કે જો પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત થઈ તો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ના અંત પહેલા જ યોજાઈ જશે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આ વર્ષે 27 માર્ચથી આઠ તબક્કામાં ચૂંટણી થવાની છે, અને તેનું રિઝલ્ટ 2મેના રોજ આવશે.
તાજેતરમાં જ રાજ્યની છ મહાનગરપાલિકાઓની તથા જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી ભાજપે શાનદાર વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત, 2020માં થયેલી વિધાનસભાની છ બેઠકો પરની પેટાચૂંટણીમાં પણ ભાજપે મોટી જીત હાંસલ કરી હતી. તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં રાજ્યમાંથી કોંગ્રેસના સુપડાં જ સાફ થઈ ગયા હતા.